જૂનાગઢ : બિપરજોય વાવાઝોડાના ખતરાને પગલે ફળફળાદી આંબા, નાળિયેરી, ચીકુ, લીંબુ સહિતના પાકોને ફરી એક વખત ફેર રોપણી કરીને મૂળ સાથે ઉખડી ગયેલા જાડોને નવજીવન આપી શકાય છે. આ ફેર રોપણીને લઈને જુનાગઢ એગ્રીકલ્ચર યુનિવર્સિટી અને બાગાયત કોલેજના પ્રિન્સિપાલ ડી.કે. વરુ દ્વારા ખેડૂતો માટે દિશા નિર્દેશો અને ગાઈડલાઈન જાહેર કરી છે. જે અંતર્ગત કોઈપણ ખેડૂત વાવાઝોડામાં નુકસાન પામેલા ફળફળાદી પાકના ઝાડને ફરી રોપણી કરીને તેને નવજીવન આપી શકશે.
યોગ્ય પદ્ધતિથી વાવેતર કરવું : જુનાગઢ ખેતીવાડી યુનિવર્સિટીના બાગાયત કોલેજના આચાર્ય ડી.કે વરુએ ખેડૂતો માટે એક ખાસ ગાઈડલાઈન જાહેર કરી છે. એ મુજબ કોઈપણ આંબાનું ઝાડ વાવાઝોડાને કારણે નુકસાન પામ્યું હોય તેવા કિસ્સામાં ઝાડના આગળના ભાગની ડાળીઓને કરવત વડે કાપીને જે જગ્યા પરથી મૂળ ઉખડી ગયું છે. તે જગ્યા પર ચારથી પાંચ ફૂટનો ખાડો કરીને તેમાં માટી અને દેશી ગાયનું ખાતર મિશ્ર કરીને તેને યોગ્ય રીતે ઊભું કરીને નવજીવન આપી શકાય છે. ફરીથી ઊભા કરેલા ઝાડની ફરતે ખામણું બનાવીને તેમાં કોપર એકસી ક્લોરાઇડ તેમજ પૂરતા પ્રમાણમાં પાણી આપવું જોઈએ. જે જગ્યા પર ડાળીઓને કરવતથી કાપવામાં આવેલી છે, તેના પર બોર્ડો પેસ્ટ લગાવવાની ભલામણ પણ એગ્રીકલ્ચર યુનિવર્સિટી દ્વારા કરવામાં આવી છે.
તોકતે વાવાઝોડા પણ અપાઈ હતી સલાહ : થોડા વર્ષ પૂર્વે ગીર વિસ્તારમાં આવેલા તોકતે વાવાઝોડાને કારણે પણ ગીર ગઢડા, તાલાલા અને સાસણ વિસ્તારમાં ખૂબ મોટા પ્રમાણમાં આંબાના પાકોને નુકસાન થયું હતું, ત્યારે પણ આજ પ્રકારે ફેર રોપણી કરીને આંબાના પાકને બચાવવામાં સફળતા મળી હતી. તોકતે વાવાઝોડા વખતે ખૂબ મોટા પ્રમાણમાં આંબાના પાકને ગીર વિસ્તારમાં નુકસાન થયું હતું, ત્યારે ફરી એક વખત આજ પ્રકારે ફળફળાદી પાકો અને ખાસ કરીને આંબાના પાકોમાં નુકસાન થવાની સ્થિતિમાં તેને ફેર રોપણી કરીને વૃક્ષને નવજીવન આપી શકાય છે. તે પ્રકારની ગાઈડલાઇન્સ અને ફેર રોપણી માટેની પદ્ધતિ તેમજ રોપણી કર્યા બાદ આપવામાં આવતા રસાયણ અને ખાતર અંગે પણ બાગાયત કોલેજના પ્રિન્સિપાલ ડો.ડી કે વરુ એ ખેડૂતલક્ષી માહિતી અને સુચનો આપ્યા છે.