જૂનાગઢ: પૂર્વ બાતમીને આધારે જૂનાગઢ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા માંગરોળ તાલુકાના ઓસા ઘેડ ગામમાં આવેલા એક રહેણાંક મકાનમાં રેડ કરતા 630 ગ્રામ જેટલો સૂકો ગાંજો અને ઘરના આંગણામાં 34 જેટલા ગાંજાના છોડનું વાવેતર મળી આવ્યુ હતું. સમગ્ર મામલામાં પોલીસે ગાંજાનું વાવેતર કરનાર નરસિંહ ખાખસ નામના આરોપીની અટકાયત કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે. આરોપી પાસેથી કુલ 17 કિલો અને 915 ગ્રામ જેટલો લીલો અને સૂકો ગાંજો મળી આવ્યો છે, જેની બજાર કિંમત 1,79,150ની આસપાસ છે.
ઘરમાં ગાંજાનું વાવેતર: જૂનાગઢ પોલીસને મળેલી પૂર્વ બાતમીને આધારે નરસિંહ ખાખસે તેના ભોગવતાવાળા મકાનમાં ગાંજીની ખેતી કરી રહ્યો હોવાની ચોક્કસ બાતમી મળી હતી. ત્યારે પોલીસે ઓસા ઘેડ ગામમાં નરસી ખાખસના ઘરે તપાસ કરતા અહીંથી 34 જેટલા ગાંજાના લીલા છોડ મળી આવ્યા હતા. ગાંજાનું વાવેતર ઘરના આંગણામાં જોઈને પોલીસ પણ ચોંકી ઉઠી હતી. જૂનાગઢ પોલીસની પકડમાં રહેલા નરસિંહ ખાખસ અગાઉ વર્ષ 2002માં શીલ પોલીસ મથકમાં હત્યાના આરોપી તરીકે કસૂરવાર સાબિત થતાં તેને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી. તે પૂર્ણ કરીને બહાર આવ્યા બાદ હત્યાના આ આરોપીએ ઘરમાં ગાંજાની ખેતી શરૂ કરી હતી જેના પર જૂનાગઢ પોલીસે પાણી ફેરવી દીધું છે.
આરોપીની પૂછપરછ હાથ ધરાઈ: જૂનાગઢ જિલ્લા પોલીસ અધિક્ષકે સમગ્ર મામલાને લઈને વિગતો આપી છે કે આરોપી પોતાના કબજા અને રહેણાંકવાળા મકાનમાં ગાંજાની ખેતી કરવાના મનસુબા સાથે આગળ વધે તે પૂર્વે જ તેની નશાની ખેતી પોલીસે પકડી પાડી છે. આરોપીની સઘન પૂછપરછ હાથ ધરાઈ છે. પૂછપરછ બાદ આરોપી નશાના આ કારોબારમાં કોઈ અન્ય વ્યક્તિ સામેલ છે કે કેમ તેમ જ ઘરના આંગણામાં આ પ્રકારનું નશાનું વાવેતર કેટલા વર્ષથી કરતો હતો. તેને લઈને પણ આગામી દિવસોમાં કોઈ વિગત પ્રાપ્ત થઈ શકશે.