જૂનાગઢ જિલ્લાના કેશોદ ગામમાં અજીબોગરીબ ઘટના બની છે પશુઓમાં પણ ભારોભાર સંવેદનાઓ ભરેલી હોય છે. કેશોદના આંબાવાડી વિસ્તારમાં વસવાટ કરતા કોટડીયા પરિવારના ગૌ ભક્ત સ્વ. ઉકાભાઈ ખીમજીભાઈ કોટડીયાનું 25 એપ્રિલના રોજ દુ:ખદ અવસાન થયું.
લૌકીક રિવાજ પ્રમાણે મૃતક વ્યક્તિને ત્યાં પરિવાર પર આવેલી અણધારી આફતમાં દુ:ખમાં ભાગ લેવા અન્ય કુટંબજનો ઉતરક્રિયા સુધી બેસણું રાખે છે, પરંતુ આશ્ચર્યની વાત તો એ છે કે, એક ગાયમાતા રોજ આ બેસણામાં આવીને સૌની સાથે બેસી શોક મનાવે છે. આ ગાયમાતા સ્વ.ઉકા કોટડીયાના ફોટા પાસે જઈ ઊભી રહે છે. ફોટા સામે માથું નમાવીને ફોટાની સામે કે બાજુમાં બેસી જાય છે અને આંસુડા સારે છે. માનવીય સંવેદના સાથે ગાય માતાની સંવેદના ઉપસ્થિત તમામ લોકોની આંખોમાં આંસુ લાવી દે છે. કળિયુગમાં જોવા મળેલી આ અવિસ્મરણીય ઘટના સતયુગની યાદ અપાવી જાય છે.
આ ઘટના બાબત સ્વ.ઉકા ખીમજી કોટડીયાના પુત્ર ગીરીશ કોટડીયાને પૂછપરછ કરતા તેમણે જણાવ્યું હતું કે, મારા પિતાજી આ રેઢીયાળ ગાયને રોજ રોટલી ખવડાવતા હતા. તેમણે વધુમાં કહ્યું કે, મારા પિતાજીના અચાનક થયેલા અવસાનથી આ ગાયમાતા પણ દુ:ખી થયા છે. છેલ્લા 7 દિવસથી રોજ બેસણામાં આવીને બેસી જાય છે અને આંસુ સારે છે.