જૂનાગઢઃ આજે કૉંગ્રેસના 139મા સ્થાપના દિવસ નિમિત્તે જૂનાગઢ જિલ્લા કૉંગ્રેસ દ્વારા ખેડૂત સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સંમેલન વિસાવદર વિધાનસભા બેઠકના વડાલ ખાતે યોજવામાં આવ્યું હતું. જેમાં કૉંગ્રેસ અગ્રણીઓ, કાર્યકર્તાઓ અને ખેડૂતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
સંમલનમાં આહવાનઃ જૂનાગઢ જિલ્લા કૉંગ્રેસના ઉપપ્રમુખ હીરા જોટવાએ આ સંમેલનમાં લોકસભા ચૂંટણી અને વિસાવદર બેઠક પર થનાર વિધાનસભા પેટા ચૂંટણી માટે કાર્યકર્તાઓને કૉંગ્રેસના પ્રચાર માટે કમર કસી લેવાનું આહવાન કર્યુ હતું. વિધાનસભા પેટા ચૂંટણીમાં સ્થાનિક અને કૉંગ્રેસ પક્ષને વફાદાર હોય તેવા ઉમેદવારનું નામ હાઈકમાન્ડને મોકલવામાં આવે તો કૉંગ્રેસ આ બેઠક સરળતાથી જીતી શકે તેમ છે તેવું હીરા જોટવાએ જણાવ્યું હતું. તેમજ આમ આદમી પાર્ટીમાં ભળેલા કૉંગ્રેસના જ કાર્યકર્તાઓ કૉંગ્રેસમાં પરત ફરે તો કશું ખોટું નથી તેમ પણ જણાવ્યું હતું. લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણીમાં કૉંગ્રેસનો સીધો મુકાબલો ભાજપ સાથે થવાનો છે હવે ચિત્રમાં ક્યાંય આમ આદમી પાર્ટી રહી નથી. તેથી આ ચૂંટણીઓમાં કૉંગ્રેસ માટે કાર્યકર્તાઓ ખૂબ કામ કરે તેવી અપીલ હીરા જોટવાએ કરી હતી.
ભુપત ભાયાણી એટલે 'માવઠું': કૉંગ્રેસના સ્થાપના દિવસના માનમાં યોજાયેલ ખેડૂત સંમેલનમાં વિસાવદરના પૂર્વ ધારાસભ્ય ભુપત ભાયાણી પર વાક પ્રહાર પણ થયા હતા. હીરા જોટવાએ ભુપત ભાયાણીએ મતદારો અને ખાસ તો ખેડૂતો સાથે વિશ્વાસઘાત કર્યો છે તેમ જણાવ્યું હતું. હીરા જોટવાએ તો ભુપત ભાયાણીને ખેડૂતો માટે માવઠું સાબિત થયા હોવાનું કહીને ભાયાણી પર આકરા વાકપ્રહાર કર્યા હતા. હીરા જોટવાના સંબોધનથી કૉંગ્રેસ કાર્યકર્તાઓમાં ઉત્સાહ જોવા મળ્યો હતો.
આમ આદમી પાર્ટીમાં ભળેલા કૉંગ્રેસના જ કાર્યકર્તાઓ કૉંગ્રેસમાં પરત ફરે તો કશું ખોટું નથી. ભુપત ભાયાણીએ મતદારો અને ખાસ તો ખેડૂતો સાથે વિશ્વાસઘાત કર્યો છે. ભાયાણી ખેડૂતો માટે માવઠું સાબિત થયા છે...હીરા જોટવા(ઉપપ્રમુખ, જિલ્લા કૉંગ્રેસ, જૂનાગઢ)