જૂનાગઢ: મ્યુનિસિપલ કોર્પોરેશને આજે ફરી એક વખત રાજા રજવાડાઓની યાદ તાજી કરાવી છે. મામલો જાણે એમ છે કે પાછલા કેટલાક વર્ષોથી જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં આવતા કરધારકો પૈકી કેટલાક જાણી જોઈને કરવેરો ભરી રહ્યા નથી. પરિણામે આ કરવેરાની રકમ કરોડોમાં પહોંચી ગઈ છે. જેની વસુલાત કરવા કરવેરા શાખાના અધિકારીઓ અને કર્મચારીઓએ નવો કીમિયો અપનાવ્યો છે. જે અંતર્ગત તમામ મિલકત પર પહોંચી ઢોલ નગારા સાથે કરવેરાની વસુલાત શરૂ કરી છે.
![ટેક્સની બાકી રકમની વસુલાત કરવા અધિકારીઓનો નવો કીમિયો](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/16-12-2023/gj-jnd-02-tex-vis-01-byte-01-pkg-7200745_16122023135154_1612f_1702714914_372.jpg)
'પાછલા ઘણા સમયથી કેટલાક ટેક્સ ધારકો કરવેરો ચૂકવતા નથી ત્યારે જે મિલકતનો કરવેરો 25,000 કરતા વધુ બાકી છે તેવા તમામ મિલકતધારકોને ઢોલ વગાડીને તેમની પાસેથી કરવેરો એકત્ર કરવાની કામગીરી કોર્પોરેશને શરૂ કરી છે.'- વિરલ જોશી, કરવેરા શાખાના અધિકારી
![ટેક્સની બાકી રકમની વસુલાત કરવા અધિકારીઓનો નવો કીમિયો](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/16-12-2023/gj-jnd-02-tex-vis-01-byte-01-pkg-7200745_16122023135154_1612f_1702714914_793.jpg)
યોજનાઓની અમલવારીમાં વિક્ષેપ: જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનના કરવેરા શાખાએ ચડત કરવેરો વસુલ કરવાને લઈને હવે અભિયાન શરૂ કર્યું છે. પાછલા વર્ષોની સરખામણીએ આ વર્ષે રહેણાંક વ્યાપારિક અને ઔદ્યોગિક એકમોમાં અંદાજિત કરોડોની ટેક્સ રકમ બાકી છે. આવી પરિસ્થિતિમાં સ્થાનિક સ્વરાજની સંસ્થાને લોક ઉપયોગી અને વિકાસના કામો કરવા માટે ખર્ચની જોગવાઈ કરવી પડતી હોય છે. જે મોટે ભાગે કરવેરા દ્વારા પ્રાપ્ત થતી હોય છે પરંતુ કરવેરો નહી મળતા લોક ઉપયોગી યોજનાઓની અમલવારીમાં ક્યાંક વિક્ષેપ આવી રહ્યો છે.
![ટેક્સની બાકી રકમની વસુલાત કરવા અધિકારીઓનો નવો કીમિયો](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/16-12-2023/gj-jnd-02-tex-vis-01-byte-01-pkg-7200745_16122023135154_1612f_1702714914_414.jpg)
રાજા રજવાડાઓની યાદ અપાવી: જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રાજા રજવાડાઓના સમયમાં જે રીતે લોકોને માહિતી કે કોઈ કર ચૂકવવાને લઈને સામૂહિક રીતે ઢંઢેરો પીટીને માહિતગાર કરાતા હતા. બિલકુલ તેવી જ રીતે જૂનાગઢ કોર્પોરેશન પણ હવે જે તે મિલકત ધારકોના સ્થળ પર જઈને ઢંઢેરો પીટીને તેમની કરવેરાની રકમ બાકી છે તે પ્રકારનું જાહેરમાં પ્રદર્શન કરીને ટેક્સ ઉઘરાવવાની કામગીરી શરૂ કરી છે.