જૂનાગઢ : ચોમાસા દરમિયાન જૂનાગઢ શહેરમાં પાછલા 30 વર્ષનો સૌથી વધુ વરસાદ પડ્યો હતો. જેને કારણે સમગ્ર શહેરમાં જ્યાં નજર પડે ત્યાં જળબંબાકારની સ્થિતિ જોવા મળતી હતી. ત્યારે આ વરસાદમાં પોતાની સંપત્તિને નુકસાન થયું છે. તેના વળતર અંગેનો દાવો ગ્રાહક સુરક્ષા કોર્ટમાં જૂનાગઢની ધર્મિષ્ઠાબેન જોશી નામની મહિલાએ મ્યુનિસિપલ કોર્પોરેશન સામે કર્યો છે.
નુકસાનીના વળતરનો દાવો : ચોમાસા દરમિયાન જૂનાગઢ શહેરમાં પાછલા 30 વર્ષનો સૌથી વધુ વરસાદ 24 કલાક દરમિયાન નોંધાયો હતો. અતિ ભારે વરસાદને કારણે જૂનાગઢ શહેરના નીચાણવાળા વિસ્તારો દુર્વેશનનગર લક્ષ્મીનગર અને રાયજીબાગની સાથે કાળવાના વોકડાના આસપાસના વિસ્તારોમાં વરસાદી પાણીએ ખૂબ જ સંપત્તિનું નુકસાન કર્યું હતું. તેને લઈને હવે ગ્રાહક સુરક્ષા કોર્ટમાં વળતર અંગેનો દાવો જૂનાગઢની મહિલા ધર્મિષ્ઠાબેન જોષીએ કર્યો છે. વરસાદને કારણે તેમના ઘરમાં વરસાદી પાણી ઘૂસી જતા તેમની સંપત્તિને અંદાજિત 5 લાખ રૂપિયાનું નુકસાન થયું છે. તે અંગેનું વળતર મેળવવા માટે જૂનાગઢ ગ્રાહક સુરક્ષા કોર્ટમાં જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન સામે કાયદાકીય જંગનો આરંભ કર્યો છે.
ગઈકાલે તેમના દ્વારા જૂનાગઢમાં આવેલી ગ્રાહક સુરક્ષા અદાલતમાં પૂરના પાણીને કારણે નુકસાનીના વળતરનો દાવો તેમના અસીલ ધર્મિષ્ઠાબેન જોશીની ફરિયાદને બાદ કરવામાં આવ્યો છે. જેમાં પૂરના પાણીને કારણે સંપત્તિને થયેલા નુકસાન બાદ માનસિક ક્ષતિ અને કાયદાકીય પ્રક્રિયામાં જે ખર્ચ થાય છે. તે મળીને કુલ પાંચ લાખ રૂપિયાના વળતરનો દાવો મ્યુનિસિપલ કોર્પોરેશન જૂનાગઢ સામે કરવામાં આવ્યો છે..સમગ્ર મામલામાં મ્યુનિસિપલ કોર્પોરેશને મામલો ન્યાયતંત્રમાં પહોંચી ગયો છે જેથી આ મુદ્દા પર જાહેર માધ્યમમાં કોઈ પણ નિવેદન કે પ્રતિભાવ આપવો કાયદાની અવમાનના ગણાશે. જેથી સમગ્ર મામલાને લઈને મ્યુનિસિપલ કોર્પોરેશન તેમના વકીલ દ્વારા અભ્યાસ કરી રહી છે... હેમાબેન શુક્લા ( વકીલ )
ન્યાયતંત્રમાં દાદ માંગી : કોર્પોરેશનને કારણે ધર્મિષ્ઠાબેન જોષીએ તેમના વકીલ હેમાબેન શુક્લ દ્વારા કન્ઝ્યુમર ફોરમમાં તેમની સ્થાવર સંપત્તિને જે નુકસાન થયું છે, તેની પાછળ જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન જવાબદાર હોવાનું ગણાવીને તેમની પાસેથી વળતર મેળવવા ન્યાયતંત્રમાં દાદ માંગી છે. એક દિવસમાં ગિરનાર પર્વત અને જૂનાગઢ શહેરમાં અંદાજિત 20 ઇંચ જેટલો વરસાદ પડતા જૂનાગઢ શહેરની મધ્યમાંથી પસાર થતાં કાળવામાં પૂરની સ્થિતિ જોવા મળી હતી. જેને કારણે વરસાદી પાણી કાળવા વોકળાને ઓળંગીને તેની ડાબે અને જમણે આવેલા રહેણાંક વિસ્તારોમાં ઘૂસી ગયું હતું.
સંપત્તિનું નુકસાન : આ વરસાદી પાણીથી ઘરમાં રહેલા ઇલેક્ટ્રોનિક સાધનોની સાથે વાહનોને પણ ખૂબ મોટું નુકસાન થયું હતું. વધુમાં કોર્પોરેશન દ્વારા નરસિંહ મહેતા સરોવરના બ્યુટીફિકેશનને કારણે પણ પાણીને રોકવા માટે જે દિવાલ બનાવવામાં આવી હતી તેને કારણે પૂરનું પાણી નરસિંહ મહેતા સરોવરમાં જવાને બદલે રહેણાંક મકાનોમાં ઘૂસી ગયું હતું તેવી દલીલ દાવામાં કરીને કોર્પોરેશન પાસેથી નુકસાનીનું વળતર માંગવામાં આવ્યું છે.