ચીનમાં રહીને તબીબનો અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓ પર સંકટ વધુ ઘેરુ બની રહ્યું છે, એક તરફ કોરોના વાઇરસનો હાહાકાર છે જેને પગલે વિદ્યાર્થીઓ તેમના ઘરમાં કેદીની માફક પૂરાઈ રહેવા માટે છેલ્લા દસ દિવસથી મજબૂર બન્યા છે. ચીનમાં રહીને અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે હવે ખોરાક પણ ખુટી રહ્યો છે. જેને લઇને વિદ્યાર્થીઓ ખૂબ જ સંકટમાં જોવા મળી રહ્યા છે, ત્યારે વિદ્યાર્થીઓને સંકટમાંથી બહાર લાવવા માટે હેલ્પલાઇન શરૂ કરવામાં આવી હતી. જેના પર મૂળ જૂનાગઢના વિદ્યાર્થીઓએ સંપર્ક કરતા ત્યાંથી પણ બિલકુલ અસહકાર ભર્યુ વલણ જોવા મળ્યું હતું.
હેલ્પલાઇન ખોલવા પાછળનો અર્થ વિદ્યાર્થીઓને પડતી મુશ્કેલીઓમાંથી તેમને બહાર કાઢવા અને તેમના પ્રશ્નોનું સમાધાન કરવું છે. પરંતુ હેલ્પલાઇન નંબર પણ વિદ્યાર્થીઓની સમસ્યાઓ વધારી રહ્યા છે, હેલ્પલાઇન નંબર પર વિદ્યાર્થીઓને ખૂબ જ ખરાબ અને કડવા અનુભવો થઇ રહ્યા છે, આવો જ કડવો અને ખરાબ અનુભવને etv ભારત સાથે ચીનમાં તબીબનો અભ્યાસ કરતા જીત નામના વિદ્યાર્થીએ શેર કર્યો છે અને ટીવી ભારત સમક્ષ પોતાની વ્યથા રજૂ કરી છે જેને ભારત સરકાર સુધી પહોંચાડવા વિદ્યાર્થીએ ગુહાર પણ કરી હતી.