જૂનાગઢ : કોરોના વાઇરસને કારણે સમગ્ર વિશ્વ લોકડાઉન થયું છે. જેમાં વિશ્વના તમામ કાર્યક્રમો રદ થઇ રહ્યા છે. ત્યારે હાલ ચૈત્ર મહિનાની નવરાત્રી ચાલી રહી છે. પરંતુ જે પ્રકારે કોરોના વાઇરસ તેનો હાહાકાર મચાવી રહ્યો છે. તેને ધ્યાને રાખીને ગિરનાર પર્વત પર આવેલા અને આદિ અનાદિ કાળથી અહીં માં અંબાજીનું મંદિરમાં ચૈત્રી નવરાત્રીની ભારે ધાર્મિક આસ્થા સાથે ઉજવણી પણ થતી હોય છે. પરંતુ જે પ્રકારે કોરોના વાઇરસનો ખતરો દિવસેને દિવસે વધી રહ્યો છે. તેને ધ્યાને રાખીને અંબાજી મંદિર પર ચૈત્રી નવરાત્રીનું ધાર્મિક આયોજન રદ કરવામાં આવ્યું છે.
નવરાત્રીના 9 દિવસ દરમિયાન અહીં વર્ષોથી કરવામાં આવતી આરતી સિવાયના કોઇ વિશેષ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું નથી. તેમજ દર વર્ષે આઠમના દિવસે નવરાત્રીના હવનનું ખૂબ મહત્વ હોય છે. તે પણ કોરોના વાઇરસની અસરને કારણે રદ કરી દેવામાં આવ્યો છે. ગિરનાર પર્વત પર આદિ-અનાદિ કાળથી બિરાજી રહેલા મા અંબાજીના સ્થાનક પર ચૈત્રી નવરાત્રીની ખૂબ જ ધૂમધામ જોવા મળે છે. દેશ અને દુનિયામાંથી માઇ ભકતો આ નવ દિવસ અંબાજી મંદિરમાં નિવાસ કરીને ચૈત્રી નવરાત્રીની ભારે ધાર્મિક આસ્થા અને ઉલ્લાસ સાથે મનાવતા હોય છે.
પરંતુ કોરોના વાઇરસના સતત વધી રહેલા ખતરા અને દેશની સરકાર દ્વારા જે પ્રકારે આયોજનો મુલતવી રાખવા અથવા ખૂબ જ મર્યાદિત કરી આપવા તેવા દિશા નિર્દેશને પગલે આ વર્ષ અંબાજી મંદિર પર ચૈત્રી નવરાત્રીનું આયોજન ખૂબ જ મર્યાદિત રીતે કરવામાં આવી રહ્યું હોવાનું મંદિરના મહંત તનસુખ ગીરી બાપુએ જણાવ્યું હતું.