- કોરોના સંક્રમણને લઈને દામોદર કુંડમાં પવિત્ર ભાદરવી અમાસના સ્નાન પર પ્રતિબંધિત
- દામોદરકુંડની આસ-પાસ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો
- ભાદરવી અમાસના દિવસે દામોદર કુંડમાં દર વર્ષે લાખ શ્રદ્ધાળુઓ પવિત્ર ડૂંબકી લગાવે છે
જૂનાગઢઃ જૂનાગઢના પવિત્ર દામોદર કુંડમાં દર વર્ષે ભાદરવી અમાસના દિવસે લાખોની સંખ્યામાં લોકો પિતૃ તર્પણ વિધિ કરે છે અને પવિત્ર કુંડમાં સ્નાન વિધિ પૂજા-પાઠ કરવામાં આવે છે, પરંતુ હાલ કોરોના મહામારીને લઇ ભાદરવી અમાસના દિવસે સ્નાનવિધિ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.
આજે બુધવારના રોજ ભાદરવી અમાસ છે. આજના દિવસે હજારોની સંખ્યામાં લોકો દામોદર કુંડમાં પિતૃઓને પાણી અર્પણ કરી અસ્થાની ડૂબકી લગાવતા હોય છે, ત્યારે હાલ કોરોના વાઈરસના સંક્રમણને ધ્યાને રાખીને જૂનાગઢની તળેટીમાં આવેલા પવિત્ર દામોદર કુંડમાં સ્નાન કરવાને લઇને જિલ્લા કલેકટર દ્વારા પ્રતિબંધાત્મક આદેશો જાહેર કરાયા છે અને દામોદર કુંડ તરફ જતા તમામ માર્ગો પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
આદિ-અનાદિકાળથી દામોદર કુંડમાં શ્રદ્ધાળુઓ ભાદરવી અમાસના દિવસે સ્નાન કરતા આવ્યા છે. દર વર્ષે અહીં અમાસના દિવસે માનવ મહેરામણમાં ઉમટી પડે છે. ગત વર્ષે પણ એક જ દિવસમાં બે લાખ કરતાં વધુ શ્રદ્ધાળુઓ અહી આસ્થાની ડૂબકી લગાવી હતી, પરંતુ હાલ કોરોના વાયરસના સંક્રમણને ધ્યાને રાખીને આ વર્ષે ભાદરવી અમાસના પવિત્ર સ્નાન પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.