જૂનાગઢ: બાગેશ્વર પીઠના પીઠાધીશ ધીરેન્દ્ર શાસ્ત્રી સોમનાથ ખાતે આજે દર્શન કરવા માટે આવી પહોંચ્યા હતા જેની સાથે લોક સાહિત્યકાર કિર્તીદાન ગઢવી પણ જોડાયા હતા. સોમનાથ મહાદેવના દર્શન કરીને મંદિરથી બહાર આવેલા ધીરેન્દ્ર શાસ્ત્રીએ માધ્યમો સમક્ષ તેમની પ્રથમ સોમનાથ મુલાકાતને લઈને પ્રતિભાવ વ્યક્ત કર્યો હતો.
'આગામી દિવસોમાં સોમનાથ મહાદેવ નજીક ત્રિવેણી ઘાટ નજીક બાગેશ્વર ધામ હનુમાન કથાનું આયોજન કેન્સર હોસ્પિટલના લાભાર્થે કરશે. જેમાં સાહિત્યકાર કીર્તિદાન ગઢવી અને બાગેશ્વર ધામ સહિત તેમના અનેક નામની અનામી સેવકો આ સેવાકાર્યમાં જોડાશે.' -ધીરેન્દ્ર શાસ્ત્રી, બાગેશ્વર પીઠના પીઠાધીશ
મહાદેવના દર્શન કરીને પ્રાપ્ત કરી ધન્યતા: બાગેશ્વર ધામના પીઠાધીશ શાસ્ત્રી ધીરેન્દ્ર પ્રથમ વખત સોમનાથ મહાદેવના દર્શન કરવા માટે પધાર્યા હતા. તેમણે મહાદેવની નૂતન ધ્વજાનું પૂજન કર્યા બાદ ધ્વજારોહણ પણ કર્યુ હતુ. વધુમાં શાસ્ત્રી ધીરેન્દ્ર દ્વારા તાજેતરમાં જ શરૂ કરવામાં આવેલી મહાદેવની પાઘ પૂજામાં ભાગ લઈને સોમેશ્વર મહાદેવને પાઘ અર્પણ કરી હતી અને ભારત હિન્દુ રાષ્ટ્ર ખૂબ જ ઝડપથી અને નજીકના સમયમાં બને તે માટેની પ્રાર્થના પણ કરી હતી.
હિન્દુ રાષ્ટ્રનો હુંકાર: તેઓએ વધુમાં જણાવ્યું હતું કે સોમનાથ મહાદેવના દર્શન તેમની કલ્પનાથી ખૂબ જ ઔલોકીક જોવા મળ્યા હતા. સોમેશ્વર મહાદેવના ચરણમાં જે માનસિક શાંતિનો અનુભવ તેમણે આજે જીવનમાં પ્રથમ વખત કર્યો છે. તે જ પ્રકારનો અનુભવ ભારત વર્ષ હિન્દુ રાષ્ટ્ર બનીને કરશે તેઓ માધ્યમો સાથેની વાતચીતમાં પણ તેમણે પુનરોચ્ચાર કર્યો હતો.
રાજકોટમાં દિવ્ય સરબાર: ઉલ્લેખનીય છે કે, આવતીકાલથી રાજકોટમાં બાબાનો બે દિવસીય દિવ્ય દરબારનો કાર્યક્રમ છે, બાબા અહીં રેસકોર્સ ખાતે બે દિવસીય દિવ્ય દરબાર ભરશે. આ પહેલા ગઇકાલે બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીએ અમદાવાદના વટવામાં પોતાનો દિવ્ય દરબાર યોજ્યો હતો, અહીં મોટી સંખ્યામાં બાબાના આશીર્વાદ લેવા માટે ભક્તો પહોંચ્યા હતા.