જૂનાગઢઃ સતત વધી રહેલા કોરોના સંક્રમણને ધ્યાને રાખીને 22મી માર્ચના દિવસે આપવામાં આવેલા લોકડાઉન દરમિયાન સમગ્ર દેશમાં 70 દિવસ સુધી તમામ પ્રકારની રોજગારી અને તેને લગતા સંસાધનો બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો, જેને લઇને મોટા ભાગના લોકો સામે આજે રોજગારી ટકાવવી કે જાળવી રાખવી તેને લઈને અનેક સવાલો ઉભા થયા છે.
લોકડાઉન દરમિયાન 70 દિવસોમાં દૈનિક ધોરણે કમાઈને જીવનનિર્વાહ કરનાર વર્ગ ખૂબ જ મુશ્કેલીમાં મુકાયો હતો, તેવો જ એક વર્ગ એટલે રિક્ષાચાલકો પાછલા ત્રણ દિવસમાં જે નુકસાન થવા પામ્યું છે. તેને લઈને રીક્ષા ચાલક વર્ગના લોકો આજે પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.
દેશમાં ચાર તબક્કાના લોકડાઉન બાદ અમલમાં આવેલા અનલોકના તબક્કામાં પણ રિક્ષાચાલકોને પેસેન્જર નહીં મળવાને કારણે પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો, ત્યાં દરરોજ વધી રહેલા પેટ્રોલ અને ડીઝલના ભાવો જાણે કે પડ્યા પર પાટું સમાન માર સહન કરવાનો સમય પણ આવી જતા રિક્ષાચાલકો આજે ન ઘરના કે ન ઘાટના જેવા કપરા સમયમાંથી પસાર થઈ રહ્યા છે. અધૂરામાં પૂરું જે રિક્ષાચાલકોએ ધિરાણ પર તેમનુ વાહન લીધું છે તે પણ છેલ્લા ચાર મહિનાથી ધિરાણ ચુકવવાને લઈને વધુ ચિંતિત જોવા મળી રહ્યા છે.
કોરોના વાઈરસના સંભવિત ખતરાને કારણે આપવામાં આવેલા લોકડાઉન બાદ હવે તેની વિપરીત અસરો ધીમે ધીમે સામે આવી રહી છે, એક બાદ એક ઉદ્યોગો અને રોજગારી પૂરી પાડતા એકમો આજે મહા મુસીબતમાં ફસાયેલા જોવા મળી રહ્યા છે. જેમાં રિક્ષા ચાલકો પણ સપડાઈ ગયેલા જોવા મળી રહ્યા છે.