જૂનાગઢ: લોકડાઉનની વચ્ચે સમગ્ર રાજ્યમાં ધોરણ 10 અને 12ના મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્રો શરૂ કરવામાં આવ્યા છે, જે પૈકી જૂનાગઢ જિલ્લામાં તારીખ 16થી કેશોદ અને જૂનાગઢમાં મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્રો શરૂ કરવામાં આવ્યા છે. ત્યારે લોકડાઉનની પરિસ્થિતિને ધ્યાને રાખીને જૂનાગઢ જિલ્લા શિક્ષણ વિભાગે શિક્ષકોના વ્યાપક હિતમાં વ્યવહારૂ નિર્ણય કરીને આગામી દિવસોમાં જૂનાગઢ અને કેશોદ ખાતે જે વિષયના મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્રો શરૂ કરવામાં આવ્યા છે તે વિષયની ઉત્તરવહી જૂનાગઢથી કેશોદ અને કેશોદથી જૂનાગઢ ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્તમાં લાવીને સ્થાનિક શિક્ષકોને સ્થાનિક કક્ષાએ મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્રમાં પેપર તપાસણીનું કામ સોંપવામાં આવશે.
16 એપ્રિલથી કેશોદ અને જૂનાગઢના મધ્યસ્થ મૂલ્યાંકન સેન્ટરમાં ઉત્તરવહીની ચકાસણીનું કામ શરૂ કરવામાં આવ્યું હતું, પરંતુ જે પ્રકારે લોકડાઉનની સ્થિતિ ચાલી રહી છે ત્યારે કેટલાક શિક્ષકો જૂનાગઢથી કેશોદ અને કેટલાક શિક્ષકો કેશોદ તરફથી જૂનાગઢના મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્રમાં પેપર ચકાસણીના કામ માટે આવતા હતા. ત્યારે શિક્ષકોને પડતી મુશ્કેલીનું નિવારણ આવે તે માટે જે શિક્ષકો કેશોદ મધ્યસ્થ મૂલ્યાંકન માટે જતા હતા તે વિષયના જવાબવહીઓને જૂનાગઢ મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્રમાં ખસેડવામાં આવશે એવી જ રીતે જે શિક્ષકો બહાર ગામથી જૂનાગઢ મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્રમાં પેપર ચકાસણીના કામ માટે આવતા હતા તેવા વિષયોની ઉત્તરવહીઓ કેશોદ મધ્યસ્થ મૂલ્યાંકન સેન્ટરમાં ખસેડવાનો વ્યવહારુ અને યોગ્ય નિર્ણય કર્યો હતો
જૂનાગઢ જિલ્લા શિક્ષણ અધિકારીએ શિક્ષકોના વ્યાપક હિતમાં તેમજ લોકડાઉનનો ભંગ ન થાય તેને ધ્યાને રાખીને કેશોદ અને જૂનાગઢના મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્રમાં કેટલાક વિષયોની ફેરબદલી કરીને અરસ-પરસ કરવાનો નિર્ણય કર્યો છે. આ નિર્ણયથી જે શિક્ષકો અપડાઉન કરીને જૂનાગઢ અને કેશોદ આવતા હતા તેવા શિક્ષકોને હવે સ્થાનિક કક્ષાએ જ મધ્યસ્થ મૂલ્યાંકન સેન્ટરમાં તેમના વિષયોની ઉત્તરવહીઓ પૂરી પાડવામાં આવશે.