જૂનાગઢ: દારૂના નાશને લઈને સંજય કોરડીયાનો આર્થિક મત પોલીસ વિભાગ દ્વારા દારૂના નાશ કરવાની જગ્યાએ તેને વહેંચીને પોલીસ કર્મીઓને ઈનામ આપવાની માગ કરી છે. જૂનાગઢ ભાજપના નેતા અને પૂર્વ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સંજય કોરડીયાએ મુખ્યપ્રધાન વિજય રૂપાણીને પત્ર લખીને દારૂના નાશ અંગે વિગતે ફેર વિચારણા કરવાની માગ કરી છે.
સમગ્ર રાજ્યમાં ગેરકાયદેસર ઘુસાડવામાં આવતો દારૂ પોલીસ દ્વારા પકડી પાડવામાં આવે છે, સમયાંતરે આવા દારૂનો નાશ જાહેરમાં રોડ રોલર ફેરવીને કરવામાં આવે છે. ત્યારે આ પ્રથાને બંધ કરીને પકડાયેલો દારૂ જે રાજ્યમાં દારૂ વેચવાની છૂટ છે, ત્યાં વેચાણ કરીને આર્થિક હૂંડિયામણ મળી શકે છે તેવી વાત કરી છે.
સંજય કોરડીયાએ મુખ્યપ્રધાનને લખેલા પત્રમાં જે તર્ક આપવામાં આવ્યો છે, તેને સીધી રીતે નકારી શકાય તેમ નથી. જો રાજ્ય સરકાર અને ગૃહવિભાગ દારૂના નાશ કરવાની જગ્યા પર થોડો કાયદામાં ફેરફાર કરે અને જે જગ્યા પર દારૂ વેચવાની સરકારી છૂટ મળેલી છે, તેવા જિલ્લાઓ કે રાજ્યમાં દારૂનું વેચાણ કરીને ખૂબ સારું આર્થિક હૂંડિયામણ મેળવી શકે છે. હવે જ્યારે ભાજપના જ એક નેતાએ મુખ્યપ્રધાનને પત્ર લખ્યો છે ત્યારે સરકાર અને ખાસ કરીને મુખ્યપ્રધાન તેના પર કેવો પ્રત્યુત્તર આપશે તે જોવું રહ્યું.