જૂનાગઢ: એગ્રીકલ્ચર યુનિવર્સિટી અને વેસ્ટર્ન યુનિવર્સિટી ઓફ સીડની વચ્ચે કૃષિ ક્ષેત્રમાં અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓ માટે મહત્વના કરાર ગત સોમવારે દિલ્હી ખાતે કરવામાં આવ્યા છે. આ કરાર અંતર્ગત જૂનાગઢ એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં સ્નાતક અભ્યાસક્રમમાં શિક્ષણ મેળવી રહેલા વિદ્યાર્થીઓ ત્રણ વર્ષ જૂનાગઢ અને એક વર્ષ ઓસ્ટ્રેલિયાની વેસ્ટર્ન યુનિવર્સિટીમાં અભ્યાસ કરીને જૂનાગઢની સાથે વેસ્ટર્ન યુનિવર્સિટીનું પણ પ્રમાણપત્ર પ્રાપ્ત કરી શકશે. આગામી દિવસોમાં વેસ્ટન યુનિવર્સિટીના અધ્યાપકો વિદ્યાર્થીઓની પસંદગી માટે જૂનાગઢ પણ આવી શકશે. જે વિદ્યાર્થીઓ પસંદગી પામશે તેમને જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીની સાથે વેસ્ટર્ન યુનિવર્સિટી સીડનીનું પણ સ્નાતક પ્રમાણપત્ર આપવામાં આવશે.
"સોમવારે થયેલા શૈક્ષણિક સમજૂતી કરાર કૃષિ ક્ષેત્રમાં અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓ માટે સીમાચિન્હ રૂપ બનશે. ભારત હજુ કૃષિ ક્ષેત્રમાં ખાસ કરીને ટેકનોલોજી અને આધુનિક સાધન સંસાધનના ઉપયોગમાં વિશ્વના દેશો કરતાં પાછળ જોવા મળે છે. ત્યારે તાજેતરમાં થયેલી સમજૂતી કરાર ભારતના કૃષિ ક્ષેત્રને આધુનિક સાધનો સંસાધનોથી યુક્ત બનાવશે. સાથે સાથે વિશ્વમાં થઈ રહેલા કૃષિ સંશોધનો આપણા વિદ્યાર્થીઓ ત્યાં જઈને જાત અનુભવ કરશે. જે આપણા દેશના કૃષિ શિક્ષણ અને ખાસ કરીને કૃષિ આધારિત અર્થવ્યવસ્થા છે તેને મહત્વનું બળ પણ પ્રદાન કરશે"-- ડો વી પી ચોવટીયા (કુલપતિ જૂનાગઢ એગ્રીકલ્ચર યુનિવર્સિટી)
સમજૂતી કરાર શિક્ષણમાં મહત્વના: દિલ્હી ખાતે શિક્ષણ સમજૂતી કરાર થયા છે. તેને ખેતીવાડીના શિક્ષણને ખૂબ જ મહત્વનું બળ પ્રદાન કરનાર માનવામાં આવે છે. બંને યુનિવર્સિટી વચ્ચે થયેલી સમજૂતી કરારને કારણે શિક્ષણ અને કૃષિના ક્ષેત્રમાં આવનારા દિવસોમાં થનારા અનેક નવા સંશોધનો અને શિક્ષણ ને સમજૂતી કરાર વિશ્વકક્ષાએ પહોંચાડશે જૂનાગઢ એગ્રીકલ્ચર યુનિવર્સિટીનું શિક્ષણ કૃષિ ક્ષેત્રમાં ગુજરાતમાં આજે પણ અવલ માનવામાં આવે છે. ત્યારે કૃષિ પ્રધાન દેશ ઓસ્ટ્રેલિયાની સીડની યુનિવર્સિટીએ હવે વિદ્યાર્થીઓના અભ્યાસને લઈને સમજૂતી કરાર કર્યા છે. જે જૂનાગઢ એગ્રીકલ્ચર યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ માટે પણ મહત્વના પુરવાર થશે.