જૂનાગઢઃ ગત વર્ષે ગુજરાતની વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટી તરફથી ભૂપત ભાયાણી વિસાવદર બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા. તેઓ જીતીને વિસાવદર બેઠક પરથી ધારાસભ્ય બન્યા હતા. જીત્યા તે વખતે તેમણે પક્ષને હંમેશા વફાદાર રહી જનતાના કલ્યાણ માટે કામો કરવાની વાતો કરી હતી. હવે તેમને પક્ષ અને ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દેતા ગુજરાતનું રાજકારણ ગરમાયું છે. ભૂપત ભાયાણી જીત્યા ત્યારે ઈટીવી ભારતને તેમણે નિવેદન આપ્યું હતું. ગત વર્ષના આ નિવેદનને રજૂ કરીએ છીએ.
રાજકીય નૈતિક મૂલ્યોના અધઃપતનનું આદર્શ ઉદાહરણઃ 8મી ડિસેમ્બર 2022ના રોજ ભૂપત ભાયાણી જીત્યા ત્યારે તેમણે ઈટીવી ભારતને ગર્વ અને ખુમારી સાથે જણાવ્યું હતું કે અમે ખરીદ વેચાણ સંઘમાં વેચાનાર વ્યક્તિઓ નથી. આજે તેઓ પોતાના નિવેદન પરથી ફરી ગયા છે અને પક્ષ તેમજ ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દીધું છે. આજે ભૂપત ભાયાણી રાજકીય નૈતિક મૂલ્યોના અધઃપતનનું આદર્શ ઉદાહરણ બની ગયા છે.
નવું નિવેદન આપીને પલટી મારીઃ રાજકીય નૈતિક મૂલ્યોનું અધઃપતન કરતા નેતાઓમાં ભુપત ભાયાણીનું નામ સામેલ થઈ ગયું છે. ભૂપત ભાયાણીએ હવે નિવેદન આપ્યું છે કે, તેઓ વિકાસમાં માને છે અને અગાઉ પણ ભાજપમાં કામ કરી ચૂક્યા છે. જો કે 370 દિવસ અગાઉ ભાયાણીને જે ભાજપ ખરીદ વેચાણ સંઘ લાગતી હતી તે હવે યોગ્ય લાગે છે અને તેઓ કમલમમાં જઈ રહ્યા છે. નેતાઓ ક્યારે પલટી મારશે તે કહી ન શકાય તે કહેવતને ભાયાણી જેવા નેતાઓ સાર્થક કરી રહ્યા છે.
ધારાસભ્ય તરીકેનો કાર્યકાળ વિવાદાસ્પદઃ ભૂપત ભાયાણી ધારાસભ્ય પદે હતા ત્યારે પણ વિવાદે તેમનો પીછો છોડ્યો નહતો. ભાજપમાં ભાયાણી જોડાવાના છે તેવી અફવાઓએ જોર પકડ્યું ત્યારે તેમણે ભાજપમાં જવાની વાતને રદિયો આપ્યો હતો. આ સિવાય એક પરણિત મહિલા સાથે તેઓ ગેસ્ટ હાઉસમાં પણ રંગે હાથે ઝડપાયા હતા. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. તે સમયે પણ ભાયાણીની ખૂબ જ જગહસાઈ થઈ હતી. હવે આત્માના અવાજને અનુસરીને ભાયાણીએ ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું છે તે નિર્ણય તેમની રાજકીય સફરને કેટલો અનુકૂળ આવશે તે તો આવનારો સમય જ કહેશે.