જામનગર: જામનગરની જી.જી. હોસ્પિટલ ખાતે કોરોના વાયરસની મહામારી સામે લડવા તંત્ર દ્વારા કરવામાં આવેલી તૈયારીઓનું નિરિક્ષણ રાજયમંત્રીશ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાએ કર્યું હતુ. ભારતમાં પણ કોરોના નામની મહામારીએ અનેક રાજ્યોને ઝપેટમાં લીધા છે. પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી ભાજપ સરકારે યુદ્ધના ધોરણે દરેક રાજ્યમાં આરોગ્યની સર્જાયેલી કટોકટી સામે જે પગલાં લીધા છે તેના ફળસ્વરૂપે હજુ સુધી આ મહામારી વિશ્વના બીજા દેશો કરતાં ભારતમાં વધુ વકરી શકી નથી.
આવી જ રીતે ગુજરાતમાં સંવેદનશીલ મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણીના નેતૃત્વમાં રાજ્ય સરકારે ગુજરાતના દરેક જિલ્લામાં યુદ્ધના ધોરણે કામગીરી કરાવી છે અને એટલા માટે જ બીજા રાજ્યોની જેમ હજુ સુધી ગુજરાતમાં મહામારી નિયંત્રણ બહાર પહોંચી શકી નથી. આ માટે ગુજરાતના આરોગ્ય તંત્રને જેટલા અભિનંદન આપીએ એટલા ઓછા છે.
વડાપ્રધાન તરફથી જનતા કરફ્યૂની જે અપીલ કરવામાં આવી છે તેનો મુખ્ય હેતુ એ જ છે કે, લોકો વધુને વધુ સમય ઘરમાં રહે, બહાર નીકળે નહીં તમામ બાબતોનું પાલન કરે જેથી કરીને રોગચાળાને વકરતો અટકાવી શકાય.
હાલમાં દેશ અને ગુજરાત સામે આરોગ્યની દ્રષ્ટીએ જે કટોકટીભરી જેવી પરિસ્થિતિ છે તેમાં રાજ્યના આરોગ્ય તંત્ર, વહીવટી તંત્ર, પોલીસ તંત્ર, મહાનગરપાલિકાના તંત્ર, સરકારી હોસ્પિટલના તબીબો સહિતના તંત્ર દ્વારા રાત-દિવસ જોયા વગર જે કામગીરી કરવામાં આવી રહી છે તે સરાહનાને પાત્ર છે. આ બધાની મહેનત સફળ થાય એ માટે દરેક લોકોએ આરોગ્ય તંત્ર તરફથી અપાયેલી માર્ગદર્શિકાનું પાલન કરવું જોઈએ.
ગુજરાત સામે અત્યારે જે સંકટની ઘડી છે તેમાં માનનીય મુખ્ય પ્રધાન વિજયભાઈ રૂપાણીના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા તમામ લોકપ્રતિનિધિઓ લોકોની પડખે છે, લોકોની સાથે છે અને લોકોની વચ્ચે રહેવાના છે. જેથી કરીને મહામારી સામે લડી શકાય.
પરંતુ ભારે અફસોસની વાત છે કે, ગુજરાતની જનતા હાલમાં વૈશ્વિક મહા મારી જેવા સંકટ સામે ઝઝૂમી રહી છે અને આવા કપરા કાળમાં ગુજરાત કોંગ્રેસના ધારાસભ્યો જયપુરના રિસોર્ટમાં આરામ ફરમાવી રહ્યા છે. વાસ્તવમાં કોંગ્રેસના ધારાસભ્યોએ લોકોની વચ્ચે રહેવું જોઈએ પરંતુ કોંગ્રેસના લોકપ્રતિનિધિઓ પોતાની ફરજ ચૂક્યા હોય એવું લાગે છે.
ગુજરાત સરકારના આરોગ્ય વિભાગ તરફથી જામનગર સહિતના દરેક જિલ્લાઓમાં મહામારીને આગળ વધતી અટકાવવા માટે જે એક્શન પ્લાન અમલમાં મૂકવામાં આવ્યા છે તેના માટે જિલ્લાનું વહીવટી તંત્ર આરોગ્ય તંત્ર પોલીસ તંત્ર સરકારી હોસ્પિટલનું તંત્ર ખૂબ ચીવટ સાથે અને એક સૂત્ર કાર્યક્રમ સાથે કામગીરી કરી રહ્યું છે. આ માટે લોકો જરા પણ ગભરાઇ નહીં, સંયમ રાખે, સજાગ રહે, વધુને વધુ સમય ઘરમાં રહે આરોગ્ય વિભાગ તરફથી જે માર્ગદર્શિકા આપવામાં આવી છે તેનું પાલન કરે. દેશ હાલમાં આરોગ્યની દ્રષ્ટીએ જે ચેલેન્જનો સામનો કરી રહ્યું છે તેમાં દરેક દેશવાસી પોતાનાથી બને એટલો સાથ સહકાર આપે. જો આમ થશે તો કોરોના નામની મહામારી સામે આપણી જીત થશે એવો પૂરો વિશ્વાસ છે.