જામનગર મહાનગર પાલિકા દ્વારા શહેરના રંગમતી નાગમતી નદીના પટમાં તેમજ પ્રદર્શન ગ્રાઉન્ડમાં પ્રતિવર્ષ જન્માષ્ટમીના લોકમેળાનું આયોજન કરવામાં આવે છે. આ મેળા માટે જાહેર હરાજી કરી મહાનગર પાલિકાએ 1.30 કરોડ રૂપિયા જેવી માતબર રકમ પણ મેળવી લીધી છે.
પ્લોટની ફાળવણી બાદ રાઇડ્સના આયોજકોએ જિલ્લા વહીવટી તંત્ર પાસેથી પર્ફોમન્સ લાયસન્સ મેળવવાનું રહે છે. જેની ફાળવણી માટે જિલ્લા કલેકટરે 6 જેટલી ટીમો બનાવી મેળામાં રાખવામાં આવેલી મોટી રાઇડ્સનું સર્વે કરાવ્યું હતું. જેનો રિપોર્ટ આવ્યા બાદ જ રાઇડ્સ શરૂ કરવામાં આવશે.
જામનગરમાં લોકમેળાની અંદર 12 મોટા ચકડોળ અને 20 નાના ચકડોળનો સમાવેશ થાય છે. જે પૈકી ઈલેકટ્રીકથી ચાલતા 12 મોટા ચકડોળની ચકાસણી અલગ અલગ 6 ટીમો દ્વારા કરવામાં આવી હતી. ચકાસણી બાદ આ ચકડોળને જિલ્લા કલેકટર કચેરી દ્વારા પર્ફોમન્સ લાયસન્સ ઇસ્યુ કરવામાં આવશે.
મહાનગર પાલિકા આ પર્ફોમન્સ લાયસન્સના આધારે રાઈડ્સના માલિકોને ઓબ્જેકશન સર્ટિફિકેટ આપશે. ભૂતકાળમાં બનેલી ચકડોળ તૂટી જવાના ઘટના બાદ તંત્ર હવે પૂરી કાળજી બાદ જ ચકડોળ ચાલુ કરાવવાના મુડમાં જોવા મળી રહી છે.