ચારેતરફ ખેડૂતો કાગડોળે વરસાદની રાહ જોઇ રહ્યા છે. વરસાદ ખેંચાતા ખેડૂતો પાયમાલ થાય તેવી દહેશત જોવા મળી રહી છે. કારણ કે મોંઘા બિયારણ વાવી ખેડૂતોએ મોટાભાગનું મૂડીરોકાણ કરી દીધું છે અને હાલ પોતાના પશુધન માટે ઘાસચારો પણ નથી. ખેડૂતો જણાવી રહ્યા છે કે, તેમને હવે પૈસાની તંગી પણ ઉભી થઇ છે.
જામનગર જિલ્લાના ધુવાવ ગામના માંડણભાઇ મેર નામના ખેડૂતે ૪૫ વિધા કપાસ અને મગફળીનું વાવેતર કર્યું હતું. પ્રથમ વરસાદે જ વાવેતર કરી દીધું હતું. જોકે વરસાદ ખેંચાતા રાજ્ય સરકારે 19 ટકા જેટલો જ વીમો આપતા ખેડૂતો હાલત દયનીય સ્થિતિમાં જોવા મળી રહ્યા છે.
જામનગર જિલ્લામાં મોટાભાગના ખેડૂતોની સ્થિતિ માંડણભાઇ મેર જેવી થઈ છે. હવે છેલ્લા પંદર દિવસથી જામનગર વિસ્તારમાં મેઘરાજા પધરામણી ન થતા ખેડૂતો અને પશુઓની કફોડી સ્થિતી વધુ ખરાબ થશે તેમાં કોઇ શંકા નથી. ત્યારે ખેડૂતો માંગ કરી રહ્યા છે કે રાજ્ય સરકાર દ્વારા જામનગર પંથકના ખેડૂતોને યોગ્ય વળતર આપવામાં આવે.