- જામનગરમાં 24 કલાકમાં તાપમાન 3 ડિગ્રી વધ્યું
- હાલમાં તાપમાન 11.5 ડિગ્રી થતા આંશિક રાહત
- ઠંડીના કારણે લોકોએ ઘરની બહાર જવાનું ટાળ્યું
જામનગરઃ જિલ્લા કલેક્ટર કચેરીના કન્ટ્રોલ રૂમના જણાવ્યા અનુસાર, જિલ્લામાં લઘુતમ તાપમાન 11.5 ડિગ્રી નોંધાયું છે. જિલ્લામાં 24 કલાક દરમિયાન લઘુતમ તાપમાનનો પારો 3 ડિગ્રી ઉંચકાતા ઠંડીમાં આંશિક રાહત મળી હતી. મંગળવારે 8.5 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયા બાદ 3 ડિગ્રી તાપમાનનો પારો ઉંચકાતા તાપમાન 11.5 ડિગ્રી થયું હતું. 3 ડિગ્રીના વધારાથી લોકોને ઠંડીમાં આંશિક રાહત જોવા મળી હતી.
તીવ્ર ઠંડીના કારણે રાત્રિના સમયે માર્ગ સુમસામ બન્યા
જામનગર કલેકટર કચેરીના કન્ટ્રોલ રૂમના જણાવ્યા અનુસાર, લઘુતમ તાપમાન 11.5 ડિગ્રી, મહત્તમ તાપમાન 25.5 ડિગ્રી, હવામાં ભેજનું પ્રમાણ 57 ટકા નોંધાયું હતું. બે દિવસ દરમિયાન કડકડતી ઠંડી બાદ ઠંડીમાં આંશિક રાહત મળતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો. તેમ છતા 11.5 ડિગ્રીની કાતિલ ઠંડી સાથે રાત્રિના સમયે તથા વહેલી સવારે શહેરીજનોએ કડકડતી ઠંડીનો સામનો કર્યો હતો. તીવ્ર ઠંડીના કારણે રાત્રિના સમયે માર્ગો સુમસામ બન્યા હતા. લોકો ગરમ વસ્ત્રોમાં લપેટાયેલા જોવા મળી રહ્યા હતાં.