જામનગર : જિલ્લા પોલીસ તંત્ર દ્વારા એન.સી.સી. કેડેટને પોલીસ હેડ કવાર્ટર ખાતે આવેલ તાલીમ ભવનમાં સન્માનિત કરવામાં આવ્યા હતા. લોકડાઉન દરમ્યાન પોલીસ તંત્રની સાથે કોરોના વોરિયર્સ તરીકે ઉમદા કાર્ય કરવા બદલ જિલ્લા પોલીસ અધિક્ષક શરદ સિંઘલ, એ.એસ.પી. સફિન હસન, ડી.વાય.એસ.પી. જાડેજા, ડી.વાય.એસ.પી. સૈયદ તેમજ અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા તમામ સિનિયર અને જુનિયર એન.સી.સી. કેડેટનું સન્માન કરી પ્રોત્સાહન પૂરૂ પાડવામાં આવ્યું હતું.
આ તકે જિલ્લા પોલીસ વડા શરદ સિંઘલ એ જણાવ્યું હતું કે, એન.સી.સી. કેડેટ છેલ્લા બે મહિનાથી પોલીસ વિભાગ સાથે લોકડાઉનના સમયમાં ખુબજ ઉત્તમ કામગીરી બજાવી છે. ત્યારે કેડેટના માતા પિતાને પણ અભિનંદન કે, જેઓ તેમના પુત્ર કે પુત્રીને આવા કપરા સંજોગોમાં તેઓને ફરજ બજાવવા સહમતી દર્શાવી. આ તમામ એન.સી.સી. કેડેટને જિલ્લા પોલીસ તંત્ર દ્વારા પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા.