જામનગરઃ જિલ્લાના ખેડૂતો સાથે વીમા કંપનીએ હળહળતો અન્યાય કર્યો છે. ગત વર્ષનો પાક વીમો હજુ સુધી ખેડૂતોને આપવામાં આવ્યો નથી. અનેકવાર રજૂઆત કરવા છતાં પણ વીમા કંપની તરફથી યોગ્ય જવાબ મળી રહ્યો નથી. જેથી રોષે ભરાયેલા ખેડૂતોએ જિલ્લા કલેક્ટરને આવેદન પાઠવી ન્યાયિ કાર્યવાહીની માગ કરી છે અને જો ટૂંક સમયમાં પાકવીમો ચૂકવવામાં નહીં આવે તો આગામી દિવસોમાં કિસાન સંઘ આંદોલનના મંડાણ કરવાની ચિમકી ઉચ્ચારી છે.
જામનગરમાં પાક વીમા મુદ્દે કિસાન સંઘે આપ્યું આવેદન
- પાકવીમો ન મળતા કિસાન સંઘે કલેક્ટરેને કરી રજૂઆત
- ખેડૂતોએ જિલ્લા કલેક્ટર પાસે યોગ્ય ન્યાયની કરી માગ
- વહેલી પાકવીમો નહીં તો આંદોલન કરવાની ચિમકી ઉચ્ચારી
ઉલ્લેખનીય છે કે, હાલ કોરોનાની મહામારી છે અને બીજી બાજુ મોંઘવારી પણ સતત વધી રહી છે, ત્યારે ચોમાસાની સિઝન શરૂ થઇ રહી છે. ખેડૂતો પાકના બિયારણ તેમજ ખાતર લેવા માટે હાલ પૈસાની તાતી જરૂર છે. રાજ્ય સરકાર તાત્કાલિક વીમા કંપનીઓને આદેશ કરી અને પાક વીમો ચૂકવે તેવી ખેડૂત આગેવાનોએ માંગ કરી છે.
કિસાન સંઘના પ્રમુખ રજનીશ પટેલે જણાવ્યું કે, તેઓએ અવારનવાર પાક વીમા કંપનીનો સંપર્ક કર્યો, પણ તેમણે વારંવાર સરકારી જવાબ આપ્યા હતા. બાદમાં સરકારી અધિકારીઓ તેમને ક્રોપ કટિંગના આંકડા ન આપતા હોવાનું જણાવ્યું હતું.