- ક્રિકેટનાં મક્કા તરીકે ગણાતાં જામનગર પાસે માત્ર એક જ ક્રિકેટ ગ્રાઉન્ડ
- ગ્રાઉન્ડની પહોળાઈ ઘટે તો રણજી ટ્રોફીની મેચો મળતી થઈ જશે બંધ
- હાલ રોજ 600 જેટલા બાળકો અજિતસિંહજી પેવેલિયનમાં રમે છે
જામનગર: લાલ બંગલા સર્કલ પાસે આવેલા અજીતસિંહ પેવેલિયનમાં તંત્ર દ્વારા મ્યુઝિયમ બનાવવાની હિલચાલ શરૂ થઇ છે. જેના કારણે આ ગ્રાઉન્ડમાં હાલ રોજ ક્રિકેટ રમતા 600 જેટલા બાળકો કદાચ હવે ક્યારેય જોવા નહિ મળે. મેદાનમાં એક બાજુ સ્વિમિંગ પુલ તો બીજી બાજુ મ્યુઝિયમ બનતાં મેદાનની પહોળાઈ ઘટશે. જેના કારણે એકમાત્ર ક્રિકેટ ગ્રાઉન્ડ ધરાવતાં જામનગરને ભવિષ્યમાં રણજી ટ્રોફીની મેચો મળવાની બંધ પણ થઈ શકે છે.
હાલમાં સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન કરી રહ્યું છે અજીતસિંહ પેવેલિયનનો ઉપયોગ
જામનગરમાં આવેલા એકમાત્ર ક્રિકેટ ગ્રાઉન્ડ અજીતસિંહ પેવેલિયનનો ઉપયોગ હાલ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન દ્વારા કરવામાં આવી રહ્યો છે. શહેરમાંથી અંદાજે 600 જેટલા બાળકો રોજ ત્યાં ક્રિકેટ રમતા જોવા મળે છે. ભારતીય ક્રિકેટ ટીમને વિનુ માંકડ, સલીમ દુરાની, અજય જાડેજા અને રવિન્દ્ર જાડેજા જેવા હોનહાર ખેલાડીઓ આપનાર આ ગ્રાઉન્ડની એક બાજુ સ્વિમિંગ પુલ અને બીજી બાજુ મ્યુઝિયમ બનાવવામાં આવશે તો મેદાન એકદમ સાંકડું થઈ જશે. જેના કારણે જામનગરને ભવિષ્યમાં રણજી ટ્રોફીની મેચો મળવાની બંધ પણ થઈ શકે છે.
ધારાસભ્યો અને સાંસદ સારા ગ્રાઉન્ડ માટે સરકારને કરશે રજૂઆત
કોંગ્રેસના ધારાસભ્ય વિક્રમ માડમે મેદાનમાં બની રહેલા સ્વિમિંગ પુલ અને મ્યુઝિયમ અંગે ચિંતા વ્યક્ત કરતા કહ્યું હતું કે, કોંગ્રેસ ઘણા સમયથી જામનગર ને સારું સ્ટેડિયમ મળવું જોઈએ તેવી માંગ કરે છે, પણ રાજ્ય સરકાર મેદાન ફાળવવામાં ઉદાસીનતા સેવી રહી હોય તેમ લાગે છે. ધારાસભ્ય હકુભા જાડેજાએ આશાવાદ સેવ્યો છે કે, જ્યારે પણ દેશને સારા ક્રિકેટર ની જરૂર હશે ત્યારે જામનગર તે આપવા માટે તૈયાર છે. સારા ગ્રાઉન્ડ માટે રાજ્ય સરકારમાં રજુઆત કરીશું અને જામનગરને ઉત્તમ સ્ટેડિયમ મળે તેવા પ્રયાસ કરવામાં આવશે. સાંસદ પૂનમ માડમે પણ મેદાનમાં મ્યુઝિયમ બનવા સામે ચિંતા વ્યક્ત કરીને આગામી દિવસોમાં જામનગરને સારું સ્ટેડિયમ મળી રહે તેવા પ્રયાસ કરવામાં આવશે.