જામનગરઃ કાલાવાડ હાઈવે પર એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. આ અકસ્માત એટલો ભયાનક હતો કે 3 મુસાફરોના ઘટના સ્થળે મૃત્યુ થયા હતા. જામનગર નજીકના મસીતીયાના પરિવારની ગાડીને અકસ્માત નડયાની જાણ થતા દોડધામ મચી હતી. ઈકો કાર અને ટ્રેક્ટર ધડાકાભેર અથડાવાની ઘટનામાં એક ધર્મગુરૂ માર્યા જતા સમગ્ર પંથકમાં શોકની કાલિમા છવાઈ ગઈ છે.
ઘટના સ્થળે કવાયતઃ આ દુઃખદ અકસ્માતની જાણ થતાં જ મોટી માટલી-ધુતારપર ગામના આગેવાનો અને સરપંચ સ્થળ પર ધસી આવ્યા હતા. પોલીસને સમાચાર મળતાં જ પોલીસ કાફલો એમ્બ્યુલન્સ સાથે ઘટના સ્થળે પહોંચી ગયો હતો. પોલીસે કાર્યવાહી હાથ ધરીને જામનગરની જી.જી. હોસ્પિટલ ખાતે ઘાયલોને સારવાર અર્થે મોકલ્યા હતા. મૃતકોને પોસ્ટમોર્ટમ માટે મોકલવાની સગવડ કરાઈ હતી. મૃતકો પૈકી એક ધર્મગુરૂ હોવાથી તેમના અનુયાયીઓ અને સેવાભાવી લોકો ઘટનાસ્થળે ધસી આવ્યા હતા. આ અંગે કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં દરેડ મસીતીયા ગામમાં રહેતા દિલસાદશા હૈદરશા મટારી સૈયદ(ઉ.વ.28)એ ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
ધોરાજીથી જામનગર જતા આ ગમખ્વાર અકસ્માત થયો હતો.મસીતીયાના જાણીતા ધર્મગુરૂ સૈયદ આમદશા સીદીકમીયા બાપુનું ઈન્તેકાલ થતા અમારા પર આભ તૂટી પડ્યું છે...ઈકબાલભાઈ ખફી(મસીતીયા આગેવાન, જામનગર)
અકસ્માતમાં ધર્મગુરૂનું મૃત્યુઃ ગમ્ખવાર અકસ્માતમાં મસીતીયાના જાણીતા ધર્મગુરૂ સૈયદ આમદશા સીદીક મીયા બાપુ (ઉ.વ.49) રહે. મસીતીયા મસ્જીદની બાજુમાં, જામનગર અને જેનમબાઈ મોહમદ સીદીક બુખારી (ઉ.વ.35) રહે. રબાની સોસાયટી, જામનગર તથા આબેદાબેન હૈદરશા સીદીક મીયા મટારી (ઉ.વ.55 રહે. દરેડ)ના કરૂણ મૃત્યુ નિપજતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે. આ ઉપરાંત બે વ્યકિતને ગંભીર ઇજા થતા તાકીદે 108 મારફત જામનગરની જી.જી. હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા છે. મસીતીયા ગામના ધર્મગુરૂના ઈન્તકાલના સમાચાર વાયુ વેગે અનુયાયીઓમાં ફેલાઈ ગયા હતા. બનાવની જાણ થતાં મસીતીયા ગામના લોકો અને આગેવાનો મોટી સંખ્યામાં હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા.