જામનગર : શહેરની કચોરીની વાત કરીએ તો તેની ખાસિયત એ છે કે, છ મહિના સુધી બગડતી નથી. ભારતમાં બનતા કોઈપણ ફરસાણમાં સૌથી લાંબી આવરદા ધરાવતું ફરસાણ હોય તો આ કચોરી છે. આ કારણે બીજા ફરસાણ વચ્ચે પણ જામનગરની કચોરી દેશ-દુનિયામાં વધારે પ્રચલિત છે. જામનગરના સાત ફરસાણ વાળાઓએ તો મુંબઈમાં સુકી કચોરી બનાવવાના યુનિટ પણ શરૂ કર્યા છે. તો એક કચોરી વાળા ભાઈ ખાલી એક્સપોર્ટ માટે જ કચોરી બનાવે છે. તો અન્ય એક વેપારીએ કચોરી માટે એર કન્ડિશન રૂમ પણ બનાવ્યો છે.
જામનગર અને સૂકી કચોરી બંને એકબીજા સાથે જોડાઇ ગયા છે. જામનગર વાસીઓ કોઈ પણ દિવસ એવો નહીં હોય કે, તેણે દિવસમાં ઓછામાં ઓછી બે ત્રણ કચોરી ન ખાધી હોય. જામનગરમાં 30 હજારથી વધુ પરિવારો એવા છે કે, જેની આજીવિકા ફક્ત અને ફક્ત કચોરી પર નિર્ભર છે. જામનગરમાં ડ્રાયફ્રુટ સુકી કચોરી અને કચોરીને સમજતા પહેલા જામનગરની સુકી કચોરીનો ઈતિહાસ જાણી લેવું જોઈએ.
સૂકી કચોરી આજે પણ ખૂબ વેચાઈ રહી છે.આજે જામનગરની ફેમસ કચોરીની માંગ અનેક વિદેશી દેશોમાં છે. દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પણ જામનગરની કચોરીના દીવાના છે.