જામનગર : રણજીત રોડ પર આવેલી દરગાહ હટાવવા માટેની કાર્યવાહી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી હતી. ગત મધરાત્રીના ઉચ્ચ અધિકારીઓની આગેવાની હેઠળ આ અંગેની કામગીરી કરવામાં આવી હતી. રાત્રીના બે અઢી વાગ્યાના આસપાસ ડીમોલીશન કામગીરી કરાઇ હોવાનું જાણવા મળ્યું છે. જેમાં SP પ્રેમસુખ ડેલુ, SDM ભાવેશ ખેર, Dysp વાઘેલા સહિતનો ઉચ્ચ અધિકારીઓનો કાફલો હાજર રહ્યો હતો.
400 પોલીસ જવાન તૈનાત કરાયા : ડીમોલીશનની કામગીરીને લઈને વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. તંત્ર દ્વારા અત્યંત ગુપ્ત રાહે ડીમોલીશન ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું. ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં પાર પડાયેલી આ કામગીરીમાં સીટી-એ, સીટી-બી, સી ટી-સી ડીવીઝનના અધિકારીઓનો સ્ટાફ, LCB, SOG સહિતનો પોલીસ કાફલો તૈનાત કરવામાં આવ્યો હતો, ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે કામગીરી કરવામાં આવી હતી.
રાત્રિના સમયે સજુબા ગર્લ્સ સ્કુલ ખાતે દરગાહનું ડેમોશનની કામગીરી શરૂ કરવામાં આવી હતી. ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો અને વહીવટી તંત્ર તેમજ મહાનગરપાલિકાની ટીમ પણ ડીમોલેશનની કામગીરીમાં જોડાઈ હતી. - પ્રેમસુખ ડેલું (SP, પોલીસ વડા)
અગાઉ રજૂઆત થઈ હતી : ઉલ્લેખનીય છે કે સજુબા કન્યા શાળાના પટાંગણ ખાતે આવેલા દરગાહના ધર્મસ્થાનને હટાવવા બાબતે અગાઉ રજુઆત કરવામાં આવી હતી. જે તે વખતે રજુઆત સબંધે પોલીસે સ્થળ પર નિરીક્ષણ કરીને માહિતી મેળવી હતી. આ સમય દરમિયાન ગત મધરાત્રીના ચુસ્ત બંદોબસ્ત સાથે ડિમોલિશન કાર્યવાહી કરવામાં આવી હતી. આ સાથે સૂત્રો અનુસાર જામનગર તંત્ર દ્વારા કરવામાં આવેલી કામગીરીને લઈને હિન્દુ સેનાએ કાર્યને બિરદાવ્યું હતું.