જામનગર: જામનગર શહેરમાં રોજના 100થી વધુ કોરોના પોઝિટિવ કેસ નોંધાઇ રહ્યા છે. રવિવારે જામનગર શહેરમાં 97 જેટલા કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે તો ગ્રામ્ય વિસ્તારમાંથી 9 જેટલા કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જો કે, 100થી વધુ દર્દીઓને હોસ્પિટલમાંથી રજા પણ આપવામાં આવી છે. જેથી હાલ જામનગર શહેર અને ગ્રામ્યમાં કોરોનાના 500 જેટલા એક્ટિવ કેસ છે.
જામનગર જિલ્લા કલેક્ટર એસ.રવિશંકરે કોરોનાના કેસને લઇ ચિંતા વ્યક્ત કરી છે અને લોકોએ સોશિયલ ડિસ્ટન્સ જાળવવું તેમજ માસ્કનો ઉપયોગ કરવો અને જે લોકોને તાવ, શરદી, ઉધરસ જેવા સામાન્ય લક્ષણો હોય તેમણે નજીકના આરોગ્ય કેન્દ્રમાં તપાસ કરાવવા અંગે જણાવ્યું હતું. કારણ કે, જામનગરની જી.જી.હોસ્પિટલમાં મોટી સંખ્યામાં દર્દીઓ એકઠા થતા અહીં લોકોની ભારે ભીડ થઇ રહી છે.
આ ઉપરાંત જામનગર મહાનગરપાલિકાના કમિશ્નર સતીષ પટેલે પણ લોકોને અપીલ કરી છે અને જામનગરમાંથી કોરોનાને નાબૂદ કરવા માટે જિલ્લા વહીવટી તંત્ર તેમજ મહાનગરપાલિકા કટીબદ્ધ છે અને લોકોએ જાગૃત થઈ સાવધાન રહેવાની સલાહ આપી છે.