જામનગર : છેલ્લા ત્રણ મહિનાથી કામ ધંધા વિના બેરોજગાર બેઠેલા માછીમારો હાલ દયનીય સ્થિતિમાં જીવી રહ્યાં છે. જો કે, માછીમારીની સિઝન પણ હવે ચોમાસામાં પૂર્ણ થવાના આરે છે. ત્યારે માછીમારો માટે રાજ્ય સરકાર કોઇ વિશેષ પેકેજ જાહેર કરે તેવી જામનગર માછીમારી સહકારી મંડળીના પ્રમુખ જુસબભાઈ વાલમે માગ કરી છે.
ત્રણ મહિનાથી બેરોજગાર માછીમારો વાવાઝોડા સામે લાચાર સૌરાષ્ટ્રના દરિયા કિનારા પર વાવાઝોડાનું સંકટ તોળાઈ રહ્યું છે. ત્યારે જે માછીમારો દરિયો ખેડવા ગયા છે, તેમને પરત બોલાવવા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જેના કારણે જામનગરમાં જુદા-જુદા બંદરની 1000 જેટલી બોટો પરત ફરી છે. જો કે, હજુ જે માછીમારો દરિયામાં છે. તેઓ પણ પરત આવી રહ્યાં છે.માછીમારો માંગ કરી રહ્યાં છે કે, જેવી રીતે ખેડૂતો માટે સરકાર વિશેષ પેકેજ આપે છે. તેવી રીતે માછીમારોને પણ પેકેજ આપવું જોઈએ. જેના કારણે માછીમારો પોતાના પરિવારનું ગુજરાન ચલાવી શકે. એક બાજુ કોરોનાને કારણે કામ ધંધા બંધ હોવાના કારણે માછીમારો મુશ્કેલીમાં મુકાયા છે, તો બીજી બાજુ વાવાઝોડાનો ખતરો હોવાના કારણે હાલ તેમના તમામ કામ ધંધા બંધ છે.
જ્યારે દરિયો ખેડતા માછીમારો પાસે રોજગારીનું સાધન માત્ર માછીમારી છે. જો કે, ETVની ટીમે માછીમારોના ઘરે પહોંચી અને સમગ્ર પરિસ્થિતિ વિશે જાણવાનો પ્રયાસ કર્યો છે.