- “નલ સે જલ” દ્વારા કાલાવડના રીનારી ગામે 24 કલાક ઘરે-ઘરે નળ દ્વારા પાણીની સુવિધા
- સો ટકા નળ કનેક્શન, ખુલ્લામાં શૌચ મુક્ત અને ભૂગર્ભ ગટર સાથે આદર્શ ગ્રામ તરફ અગ્રસર
- નર્મદાના નીરથી સૌરાષ્ટ્ર આજે પાણીની તંગીના બદલે પાણીથી તરબોળ પ્રદેશ બન્યો
જામનગરઃ જિલ્લાના કાલાવડ તાલુકાના રીનારી ગામની વાત કરીએ તો, કાલાવડથી ૧૧ કિલોમીટર દૂરનું આ રીનારી ગામ પાણીદાર બન્યું છે. ગામનાં લોકો આજે 24 કલાક ઘરઆંગણે પાણી મેળવી રહ્યા છે. સામાન્ય રીતે પાણી માટે લોકોના મુખેથી ફરિયાદ સાંભળવા જ મળતી હોય છે, ત્યારે રીનારી ગામના લોકો કહે છે કે, અમે પાણી મેળવીને ખૂબ સંતુષ્ટ છીએ. "650 લોકોની વસ્તી ધરાવતું અમારું રીનારી ગામ બે વર્ષ પહેલા પાણીની તકલીફથી પીડાતું હતું.
વાસ્મોના સહકાર થકી ગામને નલ સે જલ યોજનાનો લાભ અપાવ્યો
આ ગામમાં પહેલા પાણી જે આપવામાં આવતું, તેમાં પાઈપલાઈન વ્યવસ્થા અને ઊંચાણવાળા વિસ્તારના કારણે અનેક પ્રશ્નો રહેતા. સતત પાણીથી અસંતોષ અને પાણી માટે સતત મોટર ઉપર નિર્ભર રહેવાને કારણે ગામલોકોના વીજ બિલ પણ ખૂબ મોટા આવતા હતા તેમ રીનારી ગામના મહિલા સરપંચ જયાબેન અકબરીએ જણાવ્યું હતુ. જયાબેને વધુમાં કહ્યું કે, “ગત વર્ષે હું ગામના સરપંચ પદે નિયુક્ત થઇ, એક મહિલા તરીકે પાણીની તકલીફ કેટલી ગંભીર છે તે વિશે હું સારી રીતે વાકેફ હતી અને આ પ્રશ્નના નિવારણ માટે અમે વાસ્મોના સહકાર થકી ગામને નલ સે જલ યોજનાનો લાભ અપાવ્યો.” વાસ્મો દ્વારા રીનારી ગામમાં પાણીની પાઈપલાઈનની સંપૂર્ણ વ્યવસ્થા ઊભી કરવામાં આવી.
પ્રથમ દરેક ઘરને ભૂગર્ભ ગટર સાથે જોડી રોડના લેવલીંગ કર્યા
ત્યારબાદ ગામલોકોએ સહકાર સાથે આ યોજનાનો મહત્તમ લાભ ગામના ઘરે-ઘરે પહોંચે તે માટે દ્રઢ નિર્ધાર સાથે કામગીરી શરૂ કરી. આ વિશે ગામના ધર્મેશ અકબરી કહે છે કે, “અગાઉ ગામમાં પાણી વિતરણ થતું તેનાથી ખૂબ જ અસંતોષ હતો, સાથે જ ગામના ઉંચાણવાળા વિસ્તારોના ઘરોને તો મોટર ચાલુ કરવા છતાં પાણી પહોંચતું જ ન હતું. નલ સે જલ યોજના સાથે અમે જોડાયા ત્યારે આ પ્રશ્નને પણ નિવારી અને ગામના ઘરે-ઘરે એક સરખા પ્રમાણમાં પાણી પહોંચે તે માટેની વ્યવસ્થા કરવા અમે ગામ લોકોએ ગામને સાત વિભાગમાં વહેંચી અને પ્રથમ દરેક ઘરને ભૂગર્ભ ગટર સાથે જોડી રોડના લેવલીંગ કર્યા. પ્રોપર લેવલીંગના કારણે આજે ગામના સૌથી ઊંચાણવાળા વિસ્તારથી લઈને સૌથી નીચાણવાળા વિસ્તારમાં પણ પૂરતા પ્રમાણમાં પાણી પહોંચે છે અને 24 કલાક લોકોના ઘરે પાણી પહોંચવાથી લોકો ખૂબ ખુશ છે.”
પહેલા પાદરેથી નદી કાંઠેથી પાણી ભરી લાવવું પડતું
રીનારી ગામમાં રહેતા 65 વર્ષીય વૃદ્ધા દિવાળીબેન અકબરીએ જણાવ્યું કે, “પહેલા અમે ગામના પાદરેથી પાણી ભરીને ગામમાં લાવતા, વર્ષો સુધી આ રીતે પાણીની તકલીફ બાદ પાણીની લાઈન ગામમાં આવી, છતાં પણ તે પાણી અમને પૂરતું મળી રહે તે રીતે અમારા સુધી પહોંચતું ન હતું. પાદરેથી, નદી કાંઠેથી પાણી ભરી અને અમારે ઘરે લાવવું પડતું. ક્યારેય વિચાર્યું નહોતું કે, અમારા ઘરે આમ નળ ખોલતાં પાણી આવશે. આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આ યોજનાથી અમારા ગામમાં ઘરે-ઘરે ૨૪ કલાક પાણી મળી રહે છે. આમ અમારા ગામમાં પાણીનું ખૂબ સુખ છે, જે માટે વડાપ્રધાન અને મુખ્યપ્રધાનનો ખુબ ખુબ આભાર.
આ યોજનાથી બધી હાલાકીનો અંત આવ્યો
વર્ષોથી ઉંચાણવાળા વિસ્તારમાં પોતાનું ઘર હોવાને કારણે પાણીની તંગી વેઠતા 51 વર્ષીય શારદાબેન કમાણીએ કહ્યું કે, ગામમાં લાઈન હોવા છતાં પણ અમારા ઘરે ક્યારેય પાણી પહોંચતું જ નહીં, સતત મોટર ચાલુ રાખવા છતાં પણ પાણીનું ટીપું પણ દેખા ન દેતું, આ યોજનાથી અમારી બધી હાલાકીનો અંત આવ્યો છે. આજે અમારા ઊંચાણવાળા વિસ્તારના ઘરમાં પણ પાણી પુરતા પ્રમાણમાં તો આવે જ છે, સાથે મોટર વગર અમે એક માળ ઉપર ના ટાંકે પણ પાણી પહોંચાડી શકીએ તે રીતે અમને પાણી મળી રહે છે.
બોરમાંથી પાણી લેવા મોટરનો ઉપયોગ થતો હોવાથી વીજળી બીલ પણ વધુ આવતા
તો વીજળી બિલની તકલીફ અંગે ખુલીને વાત કરતાં રીનારી ગામના ભગવતીબેન અકબરીએ કહ્યુ કે, અમારા ગામમાં પહેલા પાણીની એટલી તકલીફ હતી કે, લાઈન દ્વારા પૂરતું પાણી મળતું નહીં એટલે સતત મોટર ચાલુ રાખવી પડતી. વળી બોરમાંથી પાણી લેવા પણ મોટરનો જ ઉપયોગ થતો હોવાથી ખૂબ મોટા વીજળી બીલો પણ ગામલોકોને ભોગવવા પડતાં. આજે આ બધી જ તકલીફ દૂર થઇ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આ નલ સે જલ યોજનાથી અમારા ગામમાં પાણીની જે તંગી હતી તે દૂર થઈ અને ૨૪ કલાક ઘરબેઠા પાણી મળવાથી હવે વીજળી બિલ પણ ખૂબ ઓછું આવે છે અમારે હવે મોટર ચાલુ કરવી પડતી જ નથી. હાલ રીનારી ગામના દરેક ઘર ભૂગર્ભ ગટર સાથે જોડાયેલા છે, સાથે જ ઘરે-ઘરે શૌચાલયની વ્યવસ્થા છે. આમ રીનારી ગામ સો ટકા ખુલ્લામાં શૌચમુક્ત, સો ટકા ભૂગર્ભગટર જોડાણ ધરાવતું અને સો ટકા પાણીના નળ કનેક્શન સાથે આદર્શ ગ્રામ તરફ અગ્રસર થઈ રહ્યું છે.
આ ગામમાં રસ્તાઓ છે સંપૂર્ણ સ્વચ્છ
સામાન્ય રીતે ગ્રામ્ય વિસ્તારમાં રસ્તાઓ પર પાણીના કારણે ગંદકી જોવા મળતી હોય છે, જેના કારણે મચ્છરોનો ત્રાસ થતો હોય છે. પરંતુ કાલાવડનું રીનારી ગામ એવું ગામ છે કે, જ્યાં તમને રસ્તા સંપૂર્ણ સ્વચ્છ જોવા મળશે અને આ જ કારણોસર ગત વર્ષે જ્યારે જામનગર જિલ્લાના ગ્રામ વિસ્તારોમાં ડેન્ગ્યુનો કહેર ખૂબ મોટા પ્રમાણમાં ફેલાયો હતો, ત્યારે આ ગામ ડેન્ગ્યુના એક પણ કેસ વગર શાંતિથી અને સ્વસ્થતાપૂર્વક જીવી રહ્યું હતું. ગાંધીજીના વિચારો “સ્વચ્છતા ત્યાં પ્રભુતા અને આવશ્યક સ્ત્રોતોનો જરૂરિયાતપૂર્વકનો ઉપયોગ”ને આ ગામ જીવન મંત્રો માનીને જીવી રહ્યું છે.