- જામનગરના ધ્રોલ ખાતે સુશાસન દિવસની ઉજવણી કરાઈ
- સરકાર ખેડૂતો માટે સતત હિતકારી નિર્ણય લઇ રહી છે : જયેશ રાદડિયા
- પ્રધાન જયેશ રાદડીયાના હસ્તે લાભાર્થીઓને સહાય વિતરણ કરાઈ
જામનગર : ભૂતપૂર્વ વડાપ્રધાન અને ભારત રત્ન એવા અટલ બિહારી વાજપેયીના જન્મદિવસ નિમિત્તે જામનગર જિલ્લાના તમામ તાલુકા ખાતે સુશાસન દિવસની ઉજવણી અંતર્ગત કિસાન કલ્યાણ કાર્યક્રમ યોજાયા હતા. જેમાં જામનગરના ધ્રોલ ખાતે અન્ન અને નાગરિક પુરવઠા, ગ્રાહક સુરક્ષા પ્રધાન જયેશભાઇ રાદડીયાના અધ્યક્ષ સ્થાને સુશાસન દિવસની ઊજવણી કરાઈ હતી.
આ તકે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જીવંત પ્રસારણ માધ્યમો થકી અરુણાચલ પ્રદેશ, ઓડીશા, હરિયાણા, મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ, તામિલનાડુ, ઉત્તર પ્રદેશ જેવા વિવિધ રાજ્યોના ખેડૂતો સાથે સંવાદ સાધ્યો હતો અને કૃષિ કાયદા વિશે ખેડૂતોને સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે, કૃષિ કાયદા ખેડૂતો માટે હિતકારી છે, ખેડૂતો ભ્રમિત પ્રચારથી દૂર રહે. વડાપ્રધાનના હસ્તે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ અંતર્ગતની સહાયનો નવો હપ્તો ખેડૂતોના બેંક ખાતામાં જમા કરવામાં આવ્યો હતો.
પાક એગ્રીમેન્ટ દ્વારા માત્ર પાકની જ ખરીદી થશે
ટેકાના ભાવે સરકાર ખરીદી બંધ કરશે તેવી અફવાઓએ ખૂબ જોર પકડ્યું છે, પરંતુ આવું કશું થવાનું નથી. આ માત્ર ખેડૂતોને ગુમરાહ કરવા માટેની એક રીત છે તેમ જણાવીને જયેશભાઇ રાદડિયાએ કહ્યું હતું કે, સરકાર ખેડૂતોના ઉદ્ધાર માટે કામ કરે છે, નવા નિર્ણયો સંવેદના સાથે તેમના હિત માટે લેવામાં આવી રહ્યા છે. રાજ્યમાં ખેડૂતોને વાડીએ લાઈટના કનેક્શન માત્ર 5 થી 6 હજાર રૂપિયામાં મળી જાય છે. જેમાં રાજ્ય સરકાર ખૂબ મોટી સબસીડી તેમને આપીને ખેતી માટેની સુવિધાઓ પ્રાપ્ત કરવા પ્રતિબદ્ધ છે. ત્યારે કૃષિ સુધારા કાયદા સાથે ખેડૂતોને કોઈ પણ પ્રશ્ન હોય તો તે ઉકેલવા પણ સરકાર પ્રતિબદ્ધ છે. તેમ જણાવી સુશાસન દિવસ નિમિત્તે મુખ્યપ્રધાને લોકોને શુભેચ્છાઓ પાઠવી હતી.
17 લાભાર્થીઓને સ્ટેજ પરથી પ્રધાને તથા મહાનુભાવોના હસ્તે સહાય અર્પણ કરાઇ
આ કાર્યક્રમમાં 17 લાભાર્થીઓને સ્ટેજ પરથી પ્રધાને તથા મહાનુભાવોના હસ્તે સહાય અર્પણ કરાઇ હતી. જેમાં હાથશાળ હસ્તકલાના લાભાર્થીને એક લાખના ચેક, તામ્રપત્ર અને શાલ ઓઢાડી સન્માનિત કરાયા હતા. આ ઉપરાંત પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજના, શ્રેષ્ઠ પશુપાલન અને દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી યોજના, જીવામૃત કીટ સહાય અંતર્ગતના લાભાર્થીઓને સ્થળ પરથી જ પેમેન્ટ ઓર્ડર/ પૂર્વમંજૂરીના પત્રો અર્પણ કરાયા હતા, તદુપરાંત HRT-2( છત્રી) યોજના, ગરીબ કલ્યાણ મેળા, માનવ ગરીમા યોજના હેઠળ લાભાર્થીઓને સાધન સહાય અને આત્મનિર્ભર ભારત મિશનના લાભાર્થીઓને સહાયના પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે બિનઅનામત આયોગના અધ્યક્ષ ડૉ.બી.એચ.ઘોડાસરા, એ.પી.એમ.સી. ચેરમેન રસિકભાઇ ભંડેરી, જિલ્લા ભાજપ લખધીરસિંહ, ધ્રોલ શહેર ભાજપ પ્રમુખ નવલભાઇ મુંગરા, ધ્રોલ તાલુકા પંચાયત પ્રમુખ જયશ્રીબેન પરમાર, કલેકટર રવિશંકર, જિલ્લા વિકાસ અધિકારી વિપિન ગર્ગ, પ્રાંતઅધિકારી ધ્રોલ હેતલ જોશી તથા અન્ય મહાનુભાવો, અધિકારીઓ અને બહોળી સંખ્યામાં ખેડૂતો- ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.