જામનગર પાલિકા સફાઇ કર્મીઓના રોષનું કારણ બની છે. જેમાં છેલ્લા કેટલાંય સમયથી સફાઇ કર્મચારીઓ પોતાની પડતર માંગણીને લઇને તંત્રમાં રજુઆત કરી રહ્યાં છે. 15 વર્ષથી હંગામી ધોરણે નોકરી કરતાં કર્માચારીઓને કોન્ટ્રાક્ટ પર જ રાખવામાં આવે છે. માટે તે સફાઇકર્મીઓને કાયમી કરવામાં આવે અને તે કાયમી કર્મચારીને મળતાં તમામ લાભ તેમને હકદાર બનાવવાની માગ કરી કરી રહ્યાં છે.
કારણ કે, છેલ્લા 10 વર્ષથી વધુ કામ કરનાર સફાઇકર્મીઓને કાયમી નોકરીનો લાભ ન આપીને તેમની સાથે અન્યાય કરી રહ્યાં છે. તેઓ પોતાના કામને વફાદાર રહ્યાં છે તો શા માટે તેમની સાથે અન્યાય કરવામાં આવી રહ્યો છે..? આમ, આવા અનેક પ્રશ્નો અને માગને લઇને સફાઇ કર્મીઓએ તંત્રમાં રજુઆત કરી હતી. પણ તંત્રએ તેમની રજુઆત સામે આંખ આડા કાન કર્યા હતા. આથી રોષે ભરાયેલાં સફાઇ કામદારોએ પાલિકામાં હલ્લાબોલ કર્યો હતો.
શુક્રવારની બપોરે સફાઈ કર્મચારીઓ બેનર અને પોસ્ટર હાથમાં લઈ JMC પહોંચ્યા હતા અને JMC ખાતે હલ્લાબોલ કર્યું હતું. જે સફાઈ કર્મચારીઓએ છેલ્લા 15 વર્ષથી હંગામી ધોરણે નોકરી કરી રહ્યા છે તેમને કાયમી નોકરી આપવાની માગ કરવામાં આવી હતી.
સફાઇ કર્મીઓ જણાવી રહ્યાં છે કે, અમે છેલ્લા 15 વર્ષથી સફાઇ કામ કરી રહ્યાં છે. અમને કોન્ટ્રાક્ટ પર જ રાખવામાં આવે છે. અમને કોઇ પણ પ્રકારનો લાભ આપવામાં આવતો નથી. તેમજ અમારી ફરિયાદોને પણ વખોડી નાખવામાં આવે છે. માટે અમે અમારા હક માટે તંત્ર સામે લડત આદરી છે. જો તંત્ર અમારી માંગણીઓને લઇ વહેલી તકે કોઇ પગલા નહીં લે તો અમે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરીશું. પણ અમારો અધિકાર તો લઇને જંપીશું. આમ, તંત્રના એકતરફા વલણના કારણે સફાઇ કામદારોને તંત્રનો વિરોધ કરવાની ફરજ પડી છે. ત્યારે તંત્ર આ સમગ્ર ઘટનાને વિશે મૌન સેવી રહ્યું છે.