જામનગર : દિવાળીના તહેવારો દરમિયાન મીઠાઈ-ફરસાણ, ખજૂર ઈત્યાદિ સહિતની ખાણીપીણીની ચીજોમાં વ્યાપક પ્રમાણમાં ભેળસેળ થતી હોવાની વાત ખૂબ જાણીતી છે. ભૂતકાળમાં આવા અનેક કિસ્સા બની ચૂક્યા છે ત્યારે આ વખતે આ તહેવાર દરમિયાન ભેળસેળિયા તત્વોને ટાર્ગેટ કરીને જામનગર મહાનગરપાલિકાની ફૂડ શાખા દ્વારા સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. આજે પણ અડધા ડઝનથી વધુ સ્થળે જામનગર ફૂડ વિભાગે ત્રાટકીને ફરસાણ અને મીઠાઈના નમૂના લીધાં છે. એક સ્થળેથી ખજૂરમાં ઈયળ નીકળવાની ફરિયાદ બાદ ફૂડ શાખા તપાસ માટે દોડી હતી. જેતે સ્થળે તપાસ કરવા ઉપરાંત મીઠાઈના મોટા વિક્રેતાઓ ઉપર ત્રાટકીને નમૂના લીધાં હતાં.
: જામનગરમાં સરૂ સેક્શન રોડ પર રહેતા એક ગ્રાહકે ગઈકાલે ખજૂરના પેકેટની ખરીદી કરી હતી, જે પેકેટ ઘરે ખોલ્યા પછી તેમાંથી જીવતી ઈયળ જોવા મળી હોવાથી તરત જ જામનગર મહાનગરપાલિકાની ફૂડ શાખાને જાણ કરવામાં આવી હતી. ફૂડ વિભાગ દ્વારા પેકિંગ કરતી કંપનીને ત્યાં દરોડો પાડી ચેકિંગ કરાયું હતું અને નમૂના લેવાયા છે. જામનગરના શરૂ સેક્શન રોડ પર રહેતા એક ગ્રાહક દ્વારા ગઈકાલે ખરીદ કરવામાં આવેલા બોમ્બે નમકીન નામની પેઢીના પેક કરાયેલા ખજૂરની ખરીદી કરી હતી અને 90 રૂપિયામાં એક પેકેટની ખરીદી કરવામાં આવી હતી .જે પેકેટને ઘેર જઇ ખોલ્યા પછી તેમાંથી જીવિત ઈયળ નીકળતાં આજે સવારે તાત્કાલિક અસરથી જામનગર મહાનગરપાલિકાની ફુડ શાખાને જાણ કરવામાં આવી હતી અને સેમ્પલ દર્શાવાયું હતું. જેથી ફૂડ વિભાગ દોડતું થયું હતું.
તપાસ દરમિયાન પટેલની શેરી નંબર નવના છેડે બોમ્બે નમકીન નામની પેઢી દ્વારા ફરસાણના પેકિંગની સાથે સાથે ખજૂરનું પણ પેકિંગ કરીને વેચાણ કરાતું હોવાથી તે પેઢીમાં હાજર રહેલા ખજૂરના પેકેટના નમૂનાને ખોલીને ચેકિંગ કરાવ્યું હતું અને તેની વિડીયોગ્રાફી કરવામાં આવી હતી. જો કે તે પેકિંગમાં કશો વાંધો ન હતો. ગ્રાહકને મળેલું પેકિંગ કબજે કર્યા પછી આ અંગેની ઊંડાણપૂર્વકની તપાસ શરૂ કરવામાં આવી છે. દરમિયાનમાં ફૂડ શાખા દ્વારા એચ.જે. વ્યાસ મીઠાઈવાલા ખાતે સઘન ચેકિંગ હાથ ધર્યું હતું અને કેટલીક મીઠાઈઓના નમૂના લેવામાં આવ્યા હતાં. મીઠાઈના નમૂનાઓનું પરિક્ષણ કરવામાં આવશે અને કોઈ ભેળસેળ કે ઘાલમેલ છે કે કેમ તે રિપોર્ટ બાદ જાહેર કરવામાં આવશે...ડી. બી. પરમાર (ફૂડ ઇન્સ્પેક્ટર, ફૂડ વિભાગ)
ફૂડ શાખાએ સઘન ચેકિંગ હાથ ધર્યું : આ ઉપરાંત ન્યૂ જામ વિજય મીઠાઈવાલાને ત્યાં પણ ફૂડ શાખાએ આજે ત્રાટકીને ફરસાણ ઈત્યાદિના નમૂના લીધાં છે. આ ઉપરાંત પણ કેટલાંક મીઠાઈ વિક્રેતાઓ અને ફરસાણવાળાઓ પર ફૂડ શાખાએ સઘન ચેકિંગ હાથ ધર્યું છે જેના પગલે ફફડાટ ફેલાઈ ગયો છે.
તાકીદે નમૂના લેવાઈ રહ્યાં છે : નોંધનીય છે કે, તહેવારો દરમિયાન મીઠાઈ-ફરસાણ સહિતની ખાવાપીવાની ચીજોનું મોટા પ્રમાણમાં વેચાણ થાય છે અને આ માગને ધ્યાનમાં રાખીને નકલી તથા ભેળસેળ કરીને મીઠાઈ ઈત્યાદિ બનાવતા તત્વો સક્રિય થઈ જાય છે. થોડાઘણાં પૈસા કમાવાની લાલચમાં આવા ઘાલમેલિયા લોકોના પેટમાં રીતસરનું ઝેર નાખે છે. ત્યારે ફૂડ શાખા દ્વારા હજુ પણ વધુ ચેકિંગ હાથ ધરીને ક્યાંય પણ ખાવા-પીવાની ચીજમાં ભેળસેળ હોય અથવા નકલી માવા, પનીર વગેરેનો ઉપયોગ થતો હોય તો તાકીદે એવા સ્થળોને ટાર્ગેટ કરીને માત્ર નમૂના લેવામાં આવી રહ્યાં છે. જોકે સંતોષ માન્યા વગર પ્રાથમિક પરિક્ષણમાં ખાવાપીવાની ચીજોમાં ભેળસેળ દેખાય અથવા નકલી ચીજો હોય તો તાકીદે સીલ મારી દેવા જોઈએ જેથી કરીને તહેવારો દરમિયાન લોકોના આરોગ્ય સાથે ગંભીર પ્રકારે કોઈ છેડછાડ કરી શકે નહીં તેવી પણ લોકોમાં લાગણી પ્રવર્તે છે.