જામનગર: હાલ સમગ્ર દેશમાં લોકડાઉનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. જેમાં જામનગર જિલ્લા બાળસુરક્ષા એકમ દ્વારા સુરેન્દ્રનગર જિલ્લાના એક બાળકનું પરિવાર સાથે પુનઃમિલન કરવામાં આવ્યું છે. 31 માર્ચ 2020ના રોજ જી.જી. હોસ્પિટલ વિસ્તાર પાસે જામનગરના એક જાગૃત નાગરિકને એક બાળક બિનવારસી હાલતમાં મળી આવ્યું હતું. તેમના દ્વારા ચાઈલ્ડ હેલ્પલાઈન 1098 પર એક બાળક બિનવારસી હાલતમાં મળી આવ્યું છે તેમ જણાવવામાં આવ્યું હતું. ચાઈલ્ડ હેલ્પલાઈન 1098 પર જિલ્લા બાળસુરક્ષા એકમને બાળક વિશે માહિતી મળી હતી.
જિલ્લા બાળસુરક્ષા એકમ દ્વારા બાળકને સરકારી ચિલ્ડ્રન હોમ જામનગરમાં આશ્રય આપી તેનું મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું હતું. ચિલ્ડ્રન હોમના અધિક્ષક વિભાભાઇ મેવાડા અને બાળ કલ્યાણ સમિતિ, જામનગરના ચેરમેન હર્ષિદાબેન પંડ્યા દ્વારા બાળકનું પરામર્શ કરતા બાળકે સ્વસ્થ થઇને પોતાનું સરનામું સુરેન્દ્રનગર જિલ્લાનું વઢવાણ ગામ જણાવ્યું હતું.
જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી ડો. પ્રાર્થનાબેન શેરશિયાના માર્ગદર્શન હેઠળ જિલ્લા બાળ સુરક્ષા અધિકારી સમીરભાઈ પોરેચા દ્વારા બાળ કલ્યાણ સમિતિ, સુરેન્દ્રનગરનો સંપર્ક કરવામાં આવ્યો હતો અને બાળક વિશે જણાવવામાં આવ્યું હતું.
વઢવાણમાં બાળકના ઘર અને પરિવાર વિશેની માહિતી મેળવી જામનગરથી સ્પેશિયલ વાહનમાં સ્ટાફ તથા બાળ કલ્યાણ સમિતિના જરૂરી આદેશ સાથે બાળકને જામનગરથી સુરેન્દ્રનગર પરિવાર સાથે પુનઃમિલન કરાવ્યું હતું.
દેશમાં મહામારીના સમયમાં બાળકને પોતાના પરિવાર સાથે મિલન કરાવી તેની સુરક્ષા સુનિશ્ચિત કરતા અધિકારીઓએ બાળકનું પરિવાર સાથે પુનઃમિલન થતા આનંદ વ્યક્ત કર્યો હતો.
બાળકના પરિવારજનોએ બાળકને ઘરે પરત લાવવા બદલ સ્ટાફનો આભાર માન્યો હતો અને કહ્યું હતું કે આ સમય દરમિયાન બાળકને શોધવા માટે અમે ઘણા પ્રયાસો કર્યા હતા પરંતુ બાળક મળતું ન હતું. કોરોનાવાઇરસની પરિસ્થિતિમાં બાળકને સ્વસ્થ સ્થિતિમાં મળી જવાથી પરિવાર ખૂબ આનંદિત થયો હતો.