જામનગરઃ હાલમાં જ લતીપુર ખાતે પશુરોગ નિદાન, સારવાર અને શસ્ત્રક્રિયા કેમ્પનું આયોજન પશુપાલન વિભાગ જામનગર અને માલાણી કન્સ્ટ્રકશન રાજકોટના સંયુક્ત ઉપક્રમે યોજાયું હતું. જેમાં મેડિસિન વિભાગ, ગાયનેક વિભાગ, સર્જરી વિભાગ અને ડ્રેનેજ વિભાગ દ્વારા કુલ 1947 પશુઓની સારવાર કરવામાં આવી હતી. તેમજ ખરવા અને મોવાસા રોગનું તેઓને રસીકરણ કરવામાં આવ્યું હતું. સ્થળ પર જ પશુના લોહી અને પેશાબનો રિપોર્ટ કરી પશુના રોગ વિશે જાણી શકાય તે માટે મોબાઈલ લેબની સુવિધા પણ ત્યાં ઉપલબ્ધ કરાવવામાં આવી હતી.
આ કેમ્પમાં કુલ 15 પશુઓની શસ્ત્રક્રિયા કરવામાં આવી હતી. જેમાં કેન્સરના રોગ, ગાયના પેટમાંથી સ્ટીલ બહાર કાઢવાની જેવી જટિલ શસ્ત્રક્રિયાઓ કરી પશુઓને નવજીવન આપવામાં આવ્યું હતું. આ કેમ્પના લાભાર્થી જગદીશભાઈ રામાણી પોતાની ગાયનાં શિંગડાંના કેન્સરની સફળતાપૂર્વક થયેલી શસ્ત્રક્રિયા બાદ ડૉક્ટરનો અને સરકારનો આભાર માનતા કહે છે કે,"છ મહિનાથી મારી ગાય દુઃખી થતી હતી, મારી ગાય મારે મારી મા સમાન છે ત્યારે એને આ ડૉક્ટરોએ બચાવી તેના માટે સરકારના પશુપાલન વિભાગનો ખૂબ આભાર માનું છું અને સરકારનો મારી ગાયને બચાવવા માટે આભાર માનું છું.”
આ કેમ્પ દ્વારા લતીપુર અને તેની આજુબાજુના વિસ્તારના કુલ ૧૧૨ લોકોના પશુઓની સારવાર કરાઇ હતી. આ તમામ લોકો દ્વારા પશુ ચિકિત્સકો, આયોજકો અને સરકારનો આભાર માનવામાં આવ્યો હતો.