જામનગરઃ શહેરના રણજીત સાગર રોડ પર આવેલા ખોડીયાર પાર્કમાં વસવાટ કરતા મૂળ લાલપુર તાલુકાના મોટી વેરાવળ ગામના પરસોત્તમભાઈ કાબાભાઈ વીરાણી તથા અન્ય વ્યક્તિઓની જામનગર તાલુકાના ચંગા ગામમાં આવેલી અંદાજે154 વીઘા જમીન વેચવા માટે તજવીજ કરાતા સવદાસ ચાવડા નામના શખ્સે દલાલ મારફત પરસોત્તમભાઈનો સંપર્ક કર્યો હતો. તેઓએ આ જમીન ખરીદવામાં રસ છે તેમ કહી જગ્યા જોવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.
આ શખ્સને પરસોત્તમભાઈ ચંગામાં જગ્યા જોવા લઈ ગયા હતા. જ્યાં તે જગ્યાના ફોટા પાડ્યા પછી જગ્યા પોતાને પસંદ આવી છે. તેમ કહી પરસોત્તમભાઈના દરેડમાં આવેલા કારખાને સવદાસ તેમજ અન્ય વ્યક્તિઓ પહોંચ્યા હતા. ત્યા રૂપિયા 51,000 પેટે આપી તે જમીનોના આધાર-કાગળના ફોટા પાડ્યા હતાં. તે પછી સવદાસ અને રાજકોટના ભરત ભગવાનજી ડવએ પરસોત્તમભાઈ તથા અન્ય વ્યક્તિઓના ફોટા જોઈશે તેમ કહી ફોટા, આધાર, મેળવી તેના પરથી ઉપરોક્ત જમીનોના ખોટા દસ્તાવેજ તૈયાર કરાવી લીધા હતાં. જેની પરસોત્તમભાઈને જાણ થઈ હતી.
તેઓએ પોતાની રીતે તપાસ કરતા ગ્રાહક તરીકે આવેલા સવદાસ ચાવડા, ભરત ભગવાનજી અને તેની સાથે જ જમીન ખરીદવાના સોદામાં રસ ધરાવવાનું કહી પોતાની પાસેથી કિશોર ઉર્ફે છોટુ મહારાજ, ક્રિપાલસિંહે જમીન માલિકોના આઈ કાર્ડ વિગેરેની નકલ મેળવી, ખોટા દસ્તાવેજ ઊભા કર્યાની અને તેમાં હરેશ વી. છૈયા, અંગ્રેજીમાં સહી કરનાર એક શખ્સ પરસોત્તમભાઈ તથા અન્ય વ્યક્તિઓના નામની ખોટી સહી કરી, અંગૂઠા મારી ખોટા દસ્તાવેજ બનાવ્યાનું જણાઈ આવતા પરસોત્તમભાઈએ જિલ્લા પોલીસવડાને અરજી પાઠવી હતી.
તેની ખરાઈ કરવામાં આવ્યા પછી ગઈકાલે LCBના ઈન્ચાર્જ ગોહિલની સૂચનાથી તમામ આસામીઓ વતી પરસોત્તમભાઈ કાબાભાઈ વિરાણીએ પંચકોશી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં IPC 120 (B), 420, 465, 467, 468, 471 હેઠળ ફરિયાદ નોંધાવી છે. આ કેસની તપાસ LCBએ શરૂ કરી છે.