- 400 વિલેજ કોમ્પ્યુટર ઓપરેટરોની હડતાળ શરૂ
- VCOએ પોતાની વિવિધ માંગણીઓને લઇને રજૂઆત કરી
- VCOની હડતાલના કારણે ખેડૂતોને ભારે મુશ્કેલી
- રાજ્ય સરકાર દ્વારા યોગ્ય વળતર આપવામાં આવે તેવી માગ
જામનગર: શહેરમાં હાલ ટેકાના ભાવે મગફળી નોંધણી પ્રક્રિયા ચાલી રહી છે, ત્યારે સતત બીજા દિવસે પણ ગ્રામ્ય વિસ્તારમાં ઈ-ગ્રામ્ય કેન્દ્રના કોમ્પ્યુટર ઓપરેટરો એટલે કે, VCO દ્વારા સતત હડતાળ યથાવત રાખવામાં આવી છે. છેલ્લાં 14 વર્ષથી VCO પોતાની વિવિધ માગણીઓને લઇને રજૂઆત કરી રહ્યા છે. તેમ છતાં પણ રાજ્ય સરકાર દ્વારા આ બાબતે કોઈ ઉકેલ ના લેવામાં આવતા જામનગરના 400 થી વધુ VCO દ્વારા હડતાળ શરૂ કરાઇ છે.
હાલ જ્યારે ખેડૂતોને ટેકાના ભાવે મગફળીની નોંધણી પ્રક્રિયા ચાલી રહી છે, ત્યારે ખેડૂતોને પણ VCOની હડતાલના કારણે એપીએમસી કેન્દ્ર સુધી નોંધણી કરાવવા જવું પડી રહ્યું છે. જેના કારણે ભારે મુશ્કેલી પણ થઈ રહી છે. જેથી જામનગરના VCOની હાલ શું માંગણીઓ છે તે જાણવાનો પ્રયાસ જામનગરમાં ETV ભારતની ટીમ દ્વારા હાથ ધરવામાં આવ્યો હતો.
આમ જામનગર જિલ્લામાં 400 જેટલા વિલેજ કોમ્પ્યુટર ઓપરેટર પોતાની પડતર માંગણીઓને લઈ કામગીરીથી અળગા રહ્યા છે. જેના કારણે જામનગર જિલ્લાના વિવિધ માર્કેટિંગ યાર્ડમાં મગફળીની નોંધણી કોણ કરશે તેવા સવાલો થઈ રહ્યા છે. વિલેજ કોમ્પ્યુટર ઓપરેટર છેલ્લાં 14 વર્ષથી સેવા આપી રહ્યા છે. જોકે, તેમને રાજ્ય સરકાર દ્વારા યોગ્ય વળતર આપવામાં ન આવતા તેમજ વીમા કવચ ન આપવામાં આવતા હાલ તેઓ નારાજ બન્યા છે.