જામનગર ચેકીંગ દરમિયાન(checking in Jamnagar) 24 લાખ રોકડા ઝડપાયા છે. ચૂંટણી પહેલા હેરાફેરી થઇ હોવાનું સામે આવ્યું છે. જામનગરમાં મોડી રાત્રે એક કારમાંથી લાખોની રકમ મળી આવતા ભારે ચર્ચા જાગી છે. પોલીસ ચેકીંગ દરમિયાન રૂપિયા 24 લાખની રોકડ મળતા કાર સવાર લોકોની પૂછપરછ કરવામાં આવી હતી. આ તરફ ઓબ્ઝર્વર, ડીવાયએસપી સહિતના ચૂંટણી અધિકારીઓ દોડી ગયા હતા.
ચૂંટણી અધિકારીઓ દ્વારા ચેકીંગ વિગત મળી છે કે, ચૂંટણીને અનુલક્ષી વ્હોરાના હજીરા પાસે ગત રાત્રે પોલીસ અને ચૂંટણી અધિકારીઓ દ્વારા ચેકીંગ હાથ ધરાયુ હતું. આ ચેકીંગ કરી રહેલ એસએસટીની ટીમ દ્વારા જીજે - 03- એમઇ - 9600 નંબરની કારમાં ચેકીંગ કરાતા રોકડનો મોટો જથ્થો મળી આવ્યો હતો.
ડીવાયએસપી દોડી આવ્યા જેથી ઉપલા અધિકારીઓને જાણ કરાતા ડીવાયએસપી દોડી આવ્યા હતા આ પછી ચૂંટણી ઓબ્ઝર્વર પણ સ્થળ પર પહોંચ્યા હતા. ચૂંટણીનો સમય હોય ગેરકાયદે રૂપિયાની હેરફેર ઉપર ખાસ નજર રાખવા ચૂંટણી પંચની સૂચના હોય ત્યારે આ મામલાએ ભારે ચર્ચા જગાવી છે.
ઇન્કમટેક્સ વિભાગના અધિકારીઓ ચૂંટણી અધિકારીઓ દ્વારા ઇન્કમટેક્સ વિભાગને જાણ કરાતા ઇન્કમટેક્સ વિભાગના અધિકારીઓ પણ દોડી આવેલ. રોકડના જથ્થાની ઇન્કમટેક્સ વિભાગના અધિકારીઓએ ગણતરી કરતા રૂ.24 લાખ થયા હતા. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ કારમાં બે લોકો સવાર હતા. જેમાં એક વ્યક્તિએ પોતાનું નામ અસ્લમભાઈ હોવાનું અને તેમને જામનગર નજીક બેડી ખાતે ભારત સાબુ નામે કારખાનું હોવાનું જણાવ્યું હતું. રકમ અંગે તેમનો દાવો હતો કે રૂપિયા પોતાની કંપનીના છે. રાત્રીના સમયમાં કારખાને આવડી મોટી રકમ ન રાખવી પડે તેથી તેઓ ઘરે લઈને જતા હતા. જોકે આ દાવા સાથે હિસાબના કોઈ કાગળો રજૂ ન કરાતા રાત્રે આ રકમ ચૂંટણી અધિકારીઓ દ્વારા જપ્ત કરાઈ છે. અધિકારીઓના જણાવ્યા મુજબ, હવે જ્યારે હિસાબના તમામ કાગળો અને રકમ કાયદેસરની છે તેવા દસ્તાવેજ રજૂ કર્યા બાદ જ રોકડ પરત અપાશે.