- ઓક્સિજનની અછત વચ્ચે નાના એવા સરખડી ગામના યુવાનોની અનોખી સેવા
- દર્દીઓ માટે ઓક્સિજનની 100 બોટલો વસાવી સેવાયજ્ઞ શરૂ કર્યો
- દર્દીઓ હોસ્પિટલોમાં કે ઘરે હોય જ્યાં હોય ત્યાં યુવાનોનું ગ્રુપ બોટલો વિનામૂલ્યે પહોંચાડી રહ્યુ છે
ગીર સોમનાથ : વેરાવળમાં કાર્યરત જિલ્લાકક્ષાની કોવિડ સહિત ખાનગી કોવિડ હોસ્પીટલોમાં બેડ ન હોવા ઉપરાંત ઓક્સિજનની કમીના લીધે કોરોનાના દર્દીઓને પુરતી સારવાર મળી રહી ન હોવાના સામાજિક અને ધારાસભ્યોએ રજૂઆત કરી છે. તો જિલ્લામાં અનેક કોરોના દર્દીઓએ ઓક્સિજનની અછતથી જીવ ગુમાવ્યો હોવાનો ખુદ ધારાસભ્યએ આક્ષેપ કર્યો હતો. આવી કટોકટીભરી સ્થિતિમાં જિલ્લાના કોડીનાર તાલુકાના સરખડી ગામના યુવાનોના ગ્રુપે આગળ આવી લાખો રૂપિયાનો ખર્ચ કરી ઓક્સિજનના 100 જેટલા બાટલા ભાવનગર ખાતેથી ખરીદ કર્યા બાદ રીફીલીંગ કરાવી અત્રે લઇ આવ્યા છે. હાલ જરૂરિયાતમંદ કોરોનાના દર્દીઓને નિ: શુલ્ક આપી સેવાનું કાર્ય કરી રહ્યા છે.
આ પણ વાંચો : ભાવનગરમાં યુવાન કરી રહ્યો છે ઓક્સિજન સિલિન્ડરની વિનામૂલ્યે સેવા
ભાવનગર ખાતેથી 100 ઓક્સિજનની બોટલો ખરીદી કરી વસાવી
આ સેવા કાર્ય અંગે ગ્રુપના સેવાકર્મી વિવેકસિંહ બારડે જણાવ્યું કે, કોરોનાએ ભરડો લીધો છે. એવા સમયે અમારા તાલુકા અને જિલ્લામાં ઓક્સિજનની ભારે અછત સર્જાતી જોવા મળી હતી. જેથી અમારા ગ્રુપના મિત્રોએ ચર્ચા કરી ભાવનગર ખાતેથી 100 ઓક્સિજનની બોટલો ખરીદી કરી વસાવી છે. આ બોટલો કોડીનાર તાલુકાના ગ્રામ્ય વિસ્તારો ઉપરાંત બહારના વિસ્તારોમાં જ્યાં ઓક્સિજનની દર્દીઓને જરૂર પડે ત્યાં યુવાનો જાતે બોટલો પહોંચાડી રહ્યા છે.
આ પણ વાંચો : ભાવનગર સ્મશાનમાં રાત દિવસ માનવ સેવા કરે છે નાગરિકો, લાકડાની પણ કરે છે વ્યવસ્થા
અમારા ગ્રુપના યુવાનો દર્દીઓને ઓક્સિજનની બોટલો પહોંચાડવાનું સેવાકાર્ય દિવસ- રાત અવિરત કરી રહ્યા છે
આ સાથે જ વધુમાં તેમણે જણાવ્યું હતું કે, અમારૂ ગ્રુપ માત્ર ગ્રામ્ય વિસ્તારોમાં હોમ આઇસોલેટ થયેલા દર્દીઓને બોટલો પહોંચાડે એટલું જ નહી, ઘણીવાર કોડીનારની રાનાવાળા હોસ્પિટલ, ડોળાસાની સરકારી હોસ્પિટલ સહિત અનેક ખાનગી હોસ્પીટલોને ત્યાં સારવાર લેતા દર્દીઓને પણ પહોંચાડી છે. આ સેવા એકમાત્ર લોકોના જીવ બચાવવા માટે કરી રહ્યા છે. વધુમાં અમારા ગ્રુપના યુવાનો ખાલી થેયલી ઓક્સિજનની બોટલોને ફરી ઓક્સિજન ભરાવવા રીફીલીંગ માટે ભાવનગર મોકલી ત્યાંથી પરત આવે એટલે જરૂરિયાતમંદ દર્દીઓને પહોંચાડવાનું સેવાકાર્ય દિવસ- રાત અવિરત કરી રહ્યા છે.