ગીર સોમનાથ: પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવને બાબા વિશ્વનાથની નગરી વારાણસી સાથે જોડતા ટ્રેન વ્યવહારને લઈને પડતર માંગણીઓ દર વર્ષે જોવા મળતી હતી. સોરઠ પંથકની આ વર્ષો જૂની માંગ આગામી સોમવાર અને 11 તારીખે પૂર્ણ થવા જઈ રહી છે. સોમવારે વહેલી સવારે 4 વાગ્યે અને 15 મિનિટે સોમનાથ બનારસ સાપ્તાહિક ટ્રેનને લીલી ઝંડી આપીને રવાના કરવામાં આવશે.
સોમવારે કરાશે રવાના: ટ્રેન શરૂ થવાને લઈને ભાવનગર મંડળના જનરલ મેનેજર માસુક અહેમદે માધ્યમોને વિગતો આપી છે. આગામી સોમવાર 11 તારીખે વહેલી સવારે 4 વાગ્યે અને 15 મિનિટે જૂનાગઢના સાંસદ રાજેશ ચુડાસમાની સાથે રેલવે વિભાગના ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં સોમનાથ વારાણસી ટ્રેનને લીલી ઝંડી બતાવીને પ્રથમ વખત રવાના કરવામાં આવશે.
ટ્રેનનો સમય: સોમવારે સવારે સોમનાથથી ઉપડેલી ટ્રેન મંગળવારે બપોરે 2 વાગ્યે અને 35 મિનિટ બનારસ પહોંચશે. તેવી જ રીતે બનારસથી બુધવારે સવારે 07:30 વાગ્યે ટ્રેન રવાના થશે. જે વેરાવળ રેલવે સ્ટેશન બીજે દિવસે સાંજે 6:45 મિનિટે પહોંચશે. આ ટ્રેન કેશોદ, જુનાગઢ, જેતલસર અને લાઠી તેમજ ઢસાના માર્ગ પર અમદાવાદથી લઈને બનારસ સુધી ચાલતી જોવા મળશે.
કેટલા હશે ડબ્બા: પાછલા ઘણા વર્ષોથી આ ટ્રેનની માંગ સતત થતી હતી પરંતુ અંતે સોરઠ વાસીઓની માંગની જીત થઈ છે. હવે સોમનાથથી બાબા વિશ્વનાથના દર્શન કરવા માટે સોરઠ વાસીઓને સીધી ટ્રેન મળી રહી છે. સાપ્તાહિક ટ્રેનમાં 24 જેટલા કોચ લગાવવામાં આવશે. જેમાં ફર્સ્ટ ક્લાસ એર કન્ડિશનનો 1, સેકન્ડ ક્લાસ એર કન્ડિશનના 2, થર્ડ એસીના 06, સ્લીપર કોચ 08 અને 4 જનરલ કોચ મળીને 24 કોચની આ વિશેષ સ્પેશિયલ એક્સપ્રેસ ટ્રેન સોમવારથી સોમનાથ વારાણસી વચ્ચે દોડતી જોવા મળશે.
29મી ઓગસ્ટના દિવસે સૈદ્ધાંતિક મંજૂરી: સોમનાથ રેલ્વે સ્ટેશન ભાવનગર મંડળ અને પૂર્વ રેલ્વે વિભાગ નીચે કામ કરી રહ્યું છે. વારાણસી રેલવે સ્ટેશન પશ્ચિમ રેલવે મંડળ નીચે આવે છે. પૂર્વ અને પશ્ચિમ રેલવે મંડળો દ્વારા સંયુક્ત રીતે સોમનાથ વારાણસી સાપ્તાહિક એક્સપ્રેસ ટ્રેનને સૈદ્ધાંતિક મંજૂરી 29મી ઓગસ્ટના દિવસે આપી દેવામાં આવી હતી. જેનું સંચાલન હવે 11 તારીખ અને સોમવારથી થવા જઈ રહ્યું છે.
વેરાવળથી અન્ય લાંબા અંતરની ટ્રેન: સોમનાથથી ત્રિવેન્દ્રમ અને પુના જેવી સાપ્તાહિક ટ્રેન આજે પણ ચાલી રહી છે. તેમાં સોમનાથ વારાણસી નવી ટ્રેનનો સમાવેશ થવા જઈ રહ્યો છે. આ સિવાય દરરોજ સોમનાથ-જબલપુર ઇન્દોર, સોમનાથ-બાન્દ્રા મુબઈ ટ્રેન પણ ચાલી રહી છે. તો દરરોજ સોમનાથ-અમદાવાદ વચ્ચે ઇન્ટરસિટી ટ્રેનનું પણ સંચાલન થાય છે. આ સિવાય સોમનાથ થી રાજકોટ, દ્વારકા અને પોરબંદર વચ્ચે પણ ટ્રેનના વ્યવહારથી સોમનાથ સાથે રેલવે વ્યવહાર જોડાયેલો છે, ત્યારે ઉત્તર ભારતના મહત્વના તીર્થક્ષેત્ર બાબા બદ્રીનાથ સાથે પણ હવે સોમનાથ ટ્રેન વ્યવહારથી જોડાવા જઈ રહ્યું છે. આ સાપ્તાહિક ટ્રેન આગામી સોમવાર 11 તારીખથી શરૂ થવા જઈ રહી છે.
વધુ એક સુવિધા, ઉધના બનારસ સુપરફાસ્ટ એક્સપ્રેસ ટ્રેન શરૂ
કાશીના આ મંદિરમાં ભક્તો પોતાની મનોકામના પૂર્ણ કરવા માટે લગાવે છે 'તાળા'