વેરાવળમાં પાણી વિભાગ, નગરપાલિકા અને ઉચ્ચ અધિકારીઓની જાણ બહાર એક કોન્ટ્રાક્ટર દ્વારા લાખો રૂપિયાના પાણીની ચોરી કર્યાની ઘટના સામે આવી છે. ઉનાળાની સિઝન દરમિયાન જ્યારે લોકો પીવાના પાણી માટે તરસી રહ્યાં હતા, આવા સમયે કોન્ટ્રાક્ટરે ચોરીનો નવો કીમીયો અપનાવી પાણીની ચોરીને અંજામ આપ્યો હતો.
વેરાવળ-સોમનાથ સંયુક્ત નગરપાલિકા માટે પીવાનું પાણી ઉમરેઠી ગામે આવેલા હીરણ ડેમ પરમાંથી રેલવે ફાટક પાસેથી મહાકાય પાઈપલાઈન પસાર થાય છે, જેમાંથી સીધું પાઈપ કનેક્શન ફીટ કરી પંપ મુકી અને કોન્ટ્રાક્ટર દ્વારા આ પાણી રેલવેને વેચી મારવામાં આવી રહ્યું હતુ. આ બાબતની જાણ પાલિકાની થતાં અંતે ચોરીનો પર્દાફાસ થયો છે. જેની પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે.
પોલીસ ફરિયાદ મુજહ હીરણ ડેમમાંથી આવતા પાણીના પાઈપમાં 3 ઈંચનો હોલ પાડી પાઈપ ફીટ કરી સાડા સાતસો હોર્સ પાવરનો પંપ ફીટ કરી રેલવેને અંદાજે 60 લાખનું પાણી વેચી મારવામાં આવ્યું છે. પોલીસે રેલવે કોન્ટ્રાક્ટર સુરૂભા દરબારને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. ત્યારે આ પાણીચોર કોન્ટ્રાક્ટર ક્યારે ઝડપાય છે અને તેને ન્યાયિક સજા કરવામાં આવશે કે પછી આ ઘટનાનું પણ ભીનું સંકેલી લેવાશે તે ચર્ચાઓએ જોર પકડ્યું છે.