- ગુજરાતની એક માત્ર શ્રી સોમનાથ સંસ્કૃત યુનિ.નો 13મો પદવીદાન સમારોહ 5 માર્ચે ઓનલાઈન યોજાશે
- રાજ્યપાલ, પૂર્વ મુખ્ય ચૂંટણી અધિકારી સહિતના અતિથિઓ ઓનલાઇન જોડાશે
- 750 વિદ્યાર્થીઓને પદવી એનાયત કરાશે
ગીર સોમનાથ: વેરાવળમાં કાર્યરત સોમનાથ સંસ્કૃત યુનિ.નો 13મો પદવીદાન સમારોહ તા. 5ને શુક્રવારે સવારે 11 વાગ્યે યુનિ. કેમ્પસ ખાતે કોરોનાની ગાઇડલાઇન મુજબ યુનિ.ના કુલપતિ, અધિકારીઓ અને ગણતરીના વિદ્યાર્થીની હાજરીમાં ઓનલાઇન યોજાશે. સમારોહમાં રાજ્યપાલ અને યુનિ. કુલાધિપતિ આચાર્ય દેવવ્રતે ઓનલાઇન જોડાઇને પ્રેરક ઉદબોધન કરશે. જ્યારે પદવીદાન સમારોહમાં કુલ 750 વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવશે.
23 તેજસ્વી વિદ્યાર્થીઓને મેડલો એનાયત કરાશે
આ પદવીદાન સમારોહમાં સોમનાથ સંસ્કૃત યુનિ.માં ચાલતા અભ્યાસક્રમો પૈકીના શાસ્ત્રી BA- 318, આચાર્ય- MA-175, PGDCA- 175, શિક્ષાશાસ્ત્રી- B.ED- 49, તત્વાચાર્ય M phil- 24, વિભાવારિધિ- P.HD- 9 મળીને કુલ 750 વિદ્યાર્થીઓને પદવી પ્રમાણપત્રો એનાયત કરવામાં આવશે. આ ઉપરાંત સમારોહમાં ગોલ્ડમેડલ- 19, સિલ્વર મેડલ- 4 એમ કુલ 23 તેજસ્વી વિદ્યાર્થીઓને મેડલો એનાયત કરવામાં આવશે.
કોરોનાની ગાઇડલાઇન મુજબ વિદ્યાર્થીઓને હાથોહાથ ડીગ્રી- મેડલો એનાયત કરાશે
સંસ્કૃત યુનિ.ના પદવીદાન સમારોહ અંગે રજીસ્ટાર ડૉ. દશરથ જાદવે જણાવ્યું હતુ કે, હાલ કોરોનાની મહામારીને લઇને કાર્યક્રમોમાં સરકારની ગાઇડલાઇન મુજબ યુનિ.ના 13માં પદવીદાન સમારોહનું આયોજન કરાયેલું છે. સમારોહમાં રાજ્યપાલ દેવવ્રત આચાર્ય ઓનલાઇન ગાંધીનગરથી જ્યારે કથાકાર રમેશ ઓઝા અને સારસ્વત તરીકે દેશના પૂર્વ ચૂંટણી અધિકારી એન. ગોપાલસ્વામી ઓનલાઈન હાજરી આપશે. ઉપરાંત સાંસદ રાજેશ ચુડાસમા, કુલપતિ પ્રો. ગોપબન્ધુ મિશ્રા સહિતના હાજર રહેશે.
સોમનાથ સંસ્કૃત યુનિ.ને B.EDના વર્ગની મંજૂરી મળી
સોમનાથ સંસ્કૃત યુનિ.ને B.EDના વર્ગની મંજુરી મળી ગઇ છે. જેથી આગામી જૂન 2021થી યુનિ.માં B.EDનો વર્ગ શરૂ થશે. જેમાં 50 બેઠકોની મંજૂરી હોવાથી તેટલા એડમિશન આપવાની કાર્યવાહી ટુંક સમયમાં શરૂ થશે. જેથી સંસ્કૃત યુનિ.માં B.ED કરવા માગતા વિદ્યાર્થીઓ લાભ લઇ શકશે, તેમ અંતમાં જણાવ્યુ હતુ.
આ પણ વાંચો : સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીમાં રાજ્યપાલે 870 જેટલા વિદ્યાર્થીઓને પદવી એનાયત કરી