સુરત : આજે પવિત્ર શ્રાવણ માસનો પ્રથમ સોમવાર છે. ત્યારે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના દર્શન કરવા માટે સમગ્ર દેશમાંથી શિવ ભક્તોનું કીડિયારુ સોમેશ્વર મહાદેવ સમીપે ઉમટી પડ્યું હતું. વહેલી સવારથી જ ખૂબ મોટી સંખ્યામાં શિવ ભક્તો સોમનાથ મહાદેવના દ્વાર દર્શન માટે ખુલે તે માટે લાંબી લાંબી કતારોમાં ઉભેલા જોવા મળ્યા હતા. તો સોમનાથ ટ્રસ્ટ દ્વારા ભક્તોના ધસારાને પહોંચી વળવા વ્યવસ્થાઓ કરવામાં આવી છે.
પ્રથમ પહોરના દર્શન : સોમનાથ મંદિર ટ્રસ્ટ દ્વારા શ્રાવણ મહિનાના સોમવારે મંદિર વહેલી સવારે ચાર વાગ્યે દર્શનાર્થીઓ માટે ખોલવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેને લઈને ખૂબ મોટી સંખ્યામાં શિવ ભક્તો મહાદેવના પ્રથમ પહોરના દર્શન કરવા માટે કતાર બંધ ઊભેલા જોવા મળતા હતાં.શ્રાવણ મહિનાના પ્રથમ સોમવારે સોમનાથદાદાના દર્શન કરવા આવેલા મહિલા દર્શનાર્થીઓએ તેમનો પ્રતિભાવ ઈટીવી ભારત સમક્ષ વ્યક્ત કર્યો હતો.
સોમનાથ મહાદેવના દર્શન કરવાની સાથે જ મનને એક અલગ પ્રકારની શાંતિની અનુભૂતિ થઈ હતી. વધુમાં આજે પંચમીનો વિશેષ સંયોગ છે તેમજ શ્રાવણનો પહેલો સોમવાર આવા શુભ દિવસે સોમનાથ મહાદેવના દર્શન કરવાની જે ધન્ય ઘડી પ્રાપ્ત થઈ છે તેને લઈને ખૂબ જ અભિભૂત થયેલાં છીએ...ભાગ્યશ્રી શાહુ(શિવભક્ત)
આજે પંચમીનો પણ વિશેષ સંયોગ : આજે શ્રાવણ મહિનાનો પ્રથમ સોમવાર હોવાની સાથે શ્રાવણ સુદ પંચમીનો પણ સંયોગ સર્જાયો છે. જેને લઇને પણ આજના દિવસે મહાદેવના દર્શન કરવાનું ખૂબ વિશેષ ધાર્મિક મહત્વ હોય છે. આજે વહેલી સવારે મહાદેવની વિશેષ અભિષેક પૂજા અને આરતી કરીને શિવને પ્રિય એવા શ્રાવણ મહિનાના સોમવારની વિશેષ ઉજવણી કરી હતી. જેના દર્શન કરીને શિવ ભક્તો ધન્યતા અનુભવી રહ્યા હતાં.
શિવલિંગના અદભૂત દર્શન : બેંગ્લોરથી આવેલાં સુશીલા રંગાસ્વામીએ સોમનાથ મહાદેવના દર્શન કરીને ધન્યતા પ્રાપ્ત કરી હતી. સાથે સાથે ઉત્તર ભારતની જે મંદિર શૈલી છે તેના ખાસ વખાણ કર્યા હતાં. ઉત્તર ભારતની મંદિર શૈલીઓ સમગ્ર ભારતમાં શ્રેષ્ઠ હોવાનો તેમનો પ્રતિભાવ આપ્યો હતો. સાથે સાથે તેમણે આજે શ્રાવણ મહિનાના પ્રથમ સોમવારે સમગ્ર દેશનું કલ્યાણ થાય તે માટે મહાદેવ સમક્ષ પ્રાર્થના કરી હતી. શિવલિંગના દર્શન થતા જ તેઓ મૂક બની ગયા હતા અને મહાદેવના ઉપસ્થિત હોવાની અનુભૂતિ તેમને શાંતિનો અહેસાસ કરાવતી હતી.
Somnath Mahadev Temple : સોમનાથ મહાદેવને અર્કપુષ્પનો શ્રૃંગાર, દર્શન કરીને શિવભક્તો થયા અભિભૂત
Somnath Mahadev Temple : સોમનાથ મહાદેવને કરાયો સવા લાખ બિલ્વપત્રનો ઔલોકિક શણગાર, ભાવિકો થયા અભિભૂત