- ગીર ગઢડાના જસાધાર ગીર ગામે વાવાઝોડા બાદ હજુ મોબાઈલ નેટવર્ક ઠપ્પ
- 100 જેટલા વિદ્યાર્થીઓનું ભણતર બગડતું હોવાથી ભાવિ જોખમમાં
- ગ્રામજનોને વાવાઝોડા બાદ મોબાઈલ નેટવર્ક વગર હાલાકી
ગીર સોમનાથઃ જિલ્લાના ગીર ગઢડા તાલુકાના જસાધાર ગીર ગામે 750 જેટલા ગ્રામજનો વાવાઝોડા બાદ મોબાઈલ નેટવર્ક વગર હાલાકી ભોગવી રહ્યા છે. નેટવર્કના અભાવે મોબાઈલના ખાલી ડબલા બન્યા છે. વહેલીતકે મોબાઈલ નેટવર્ક પૂર્વવ્રત થાય તેવી માંગણી કરી રહ્યા છે.
ઓનલાઇન અભ્યાસમાં પણ મુશ્કેલી
ગીર સોમનાથ જિલ્લાના ગીર ગઢડા તાલુકાના જસાધાર ગીર ગામમાં વિદ્યાર્થીઓની સંખ્યા પણ 100 આસપાસ હોવાથી, ઘણા ધોકડવા, ભાચા, ઉનાની સ્કૂલો, હાઈસ્કૂલો અને કોલેજોમાં એડમિશન લીધેલા છે. હાલ કોરોના મહામારીના કારણે વિદ્યાર્થીઓ વિવિધ એપ્લિકેશન અને લિંકના આધારે ઘરે રહી ઓનલાઈન ભણવાનો પ્રયત્ન પણ કરતા હોય છે પણ ખાટલે મોટી ખોટની જેમ મોબાઈલના ટાવર કે નેટવર્ક પકડાતું ન હોય ત્યાં ઈન્ટરનેટ પકડાવાનું તો સપના જોવા જેવું બની ગયું છ
નેટવર્ક અને ઈન્ટરનેટ સેવા ઉપલબ્ધ કરવા ગ્રામજનોની માગ
તો ઘણી વખત હવાના ઝોકાની જેમ ટાવર પકડાઈ જાય તો વાત થઈ શકે છે. નહીં તો ગ્રામજનોને ઘરની બહાર નીકળી ઉંચાઈવાળી જગ્યાએ જઈ વાત ક૨વા લોકો પ્રયત્ન કરતા રહે છે. નાના મોટા શહેરોમાં જેમ મોટી મોબાઈલ કંપનીઓ બિઝનેશમાં હરીફાઈ કરતા હોય તેમ ટાવરો ખડકી રહ્યા છે. તો આ નાનકડા જસાધાર ગીર ગામમાં પણ વિદ્યાર્થીઓના ભાવિ અને ગ્રામજનોની કનેક્ટિવિટી જળવાઈ રહે તે માટે મોબાઈલના નેટવર્ક અને ઈન્ટરનેટ સેવા ઉપલબ્ધ કરાવે તેવી ગ્રામજનો માંગણી કરી રહ્યા છે.
નેટવર્ક તાત્કાલિક પૂર્વવ્રકરવા કરાઇ માગ
અત્રે નોંધનીય છે કે, વાવાઝોડાના કહેર બાદ તંત્ર પ્રભાવિત ઉના અને ગીર ગઢડા પંથકના ગ્રામ્ય અને છેવાડાના વિસ્તારોમાં વીજ પુરવઠો, પાણી જેવી પ્રાથમિક સુવિધા પૂરી પાડવા યુદ્ધના ધોરણે કામગીરી કરી રહ્યું છે. તેવા સમયે આજના આધુનિક યુગમાં સૌ કોઈ માટે જરૂરી બની ગયેલા મોબાઈલના નેટવર્ક બાબતે જશાધર ગીર ગામના લોકોની વેદનાને વાચા આપી નેટવર્ક તાત્કાલિક પૂર્વવ્રત કરાવે તે જરૂરી છે.