ગીર સોમનાથ: શ્રાવણ માસમાં આગામી રક્ષા બંધનના તહેવારને લઈને ગીર સોમનાથ જિલ્લામાંથી 600થી વધુ રાખડીઓ સૈનિકો માટે તૈયાર કરીને જિલ્લા કલેક્ટર મારફત મોકલાવામાં આવી છે.
ભાઈની રક્ષા માટે બહેન દ્વારા રાખડી બાંધી રક્ષાબંધન તહેવારની ઉજવણી કરવામાં આવે છે. આગામી 3 ઓગસ્ટના રોજ રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવશે. ત્યારે દેશની બોર્ડર પર ફરજ બજાવતા સૈનિકોની રક્ષા માટે દેશભરમાંથી રાખડી મોકલવામાં આવે છે.
સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવક બોર્ડના સહયોગથી અને ગીર સોમનાથ જિલ્લામાંથી બહેનોએ મોકલાવેલી 600થી વધુ રાખડી કલેકટર અજયપ્રકાશને આપવામાં આવી હતી. જે રાખડી બોર્ડર પર ફરજ બજાવતા સૈનિકોને મોકલી આપવામાં આવશે.
સ્વામી વિવેકાનંદ બોર્ડ દ્વારા ગુજરાત રાજ્યના 18,300 ગામમાંથી બહેનો દ્વારા દેશના જવાનો માટે રાખડી મોકલવામાં આવી છે. તમામ રાખડીઓ ગામમાંથી જિલ્લા મથકે મોકલી આપવામાં આવશે.
ત્યારબાદ રાજ્ય મથકે અને અંતમાં નેવી, એરફોર્સ, આર્મી સહિત બોર્ડર પર ફરજ બજાવતા સૈનિકોને મોકલી અપાશે. આ રાખડીઓનું તાલુકા મથકે પુજન કરવામાં આવ્યું હતું.