ગીર સોમનાથઃ પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ જ્યાં બિરાજે છે તેવા ગીર-સોમનાથ જિલ્લામાં જવાના તમામ નેશનલ હાઈવે બિસ્માર પરિસ્થિતિમાં છે. લોકો દ્વારા તંત્રને નેશનલ હાઈવે ઓથોરિટીને ઘણી વાર રજૂઆત કરવા છતાં તેનું કોઈ પણ નિરાકરણ આવ્યું નથી. ત્યારે કોઈએ રાતોરાત નેશનલ હાઈવે પર રહેલા ખાડા અને ખરાબ રસ્તા પર ભાજપનું કમળ મૂક્યું છે અને અનોખી રીતે વિરોધ પ્રદર્શિત કર્યો છે.
સોમનાથ જતાં જેતપુર સોમનાથ હાઇવે પર ઠેરઠેર ખાડાઓમાં અને ખરાબ રસ્તાઓ પર થર્મોકોલથી બનેલા કમળ મુકવામાં આવ્યાં છે. જેનાથી એક રીતે વિરોધ પણ થાય અને બહારથી આવતાં વાહનચાલકોને ખરાબ રસ્તાનું સૂચન પણ મળે. આ કાર્ય કોંગ્રેસ દ્વારા કરાયું છે કે કોઈ અન્ય સંગઠન દ્વારા કે કોઈ વ્યક્તિ દ્વારા તે હજુ સુધી સ્પષ્ટ થયું નથી. પરંતુ રસ્તાઓ બાબતે લોકોમાં રોષ ભભૂકી રહ્યો છે જેનું ઉદાહરણ સત્તા પક્ષને ખાડાઓમાં ઉગાડેલા કમળ દ્વારા પુરું પાડવામાં આવ્યું હતું.