ગીર સોમનાથઃ મહામારી કોરોના સામે વિશ્વ જજુમી રહ્યું છે, ત્યારે ગીર સોમનાથના કોડીનાર નજીકના 3 હજારની વસ્તીનું વીઠ્ઠલપુર ગામ ઊદાહરણ સમુ કામ કરી રહ્યુ છે. અહી સરપંચ પ્રતાપભાઈ અને તેની ટીમ દ્રારા આખા ગામને કોરોના મુક્ત રાખવા ભારે જહેમત ઊઠાવી છે. તો આ ગામે રાજ્યભરના અન્ય ગામોને પણ ઊદાહરણ પુરૂ પાડ્યું છે.
આખા ગામના તમામ રસ્તા બ્લોક કરી માત્ર મુખ્ય ગેઈટ પર સેનેટાઈઝ મશીન મૂક્યુ છે, જે ગામના બે યુવાનોની કોઠાસુજથી બનાવેલું છે. સાથે આખા ગામની શેરીઓમાં બે વખત પંપ દ્રારા સેનેટાઈઝ કરવામાં આવે છે. તો લોકડાઉનના અમલ માટે શેરીએ શેરીએ લાઉડ સ્પીકરો દ્રારા પંચાયતમાંથી સૂચના અપાય છે અને ગામમાં સીસીટીવી દ્રારા વોચ રખાય રહી છે.
આ ગામના યુવાનોએ વેસ્ટમાંથી બેસ્ટ સેનેટાઇઝિંગ મશિન બનાવ્યું છે, જેમાં નહીવત ખર્ચ થયો છે. તો અન્ય ગામોને પણ જો આ મશીન બનાવી લોકોના આરોગ્ય માટે સગવડ ઊભી કરવી હોય તો આ ગામના યુવાનો ત્યાં જઈ તેને માર્ગદર્શન આપવા તૈયાર છે. આમ શહેરોમાં ન હોય તેવી સુવીધા આ કોરોના મહામારી સામે વીઠ્ઠલપુર ગામે જોવા મળે છે.