ગીર સોમનાથ : જમીન સર્વે કામગીરીમાં ગીર સોમનાથ જિલ્લામાં સાવ મંથર ગતિએ કામ થયું છે. ગીર સોમનાથ જિલ્લામાં જમીન સર્વેની કામગીરી જાણે કે અધરતાલ ચાલતી હોય તેવા ચિંતાજનક દ્રશ્યો સામે આવ્યા છે. પાછલા એક વર્ષમાં 1091 જેટલી અરજીઓ ખેડૂતો દ્વારા કરવામાં આવી હતી. જેમાંથી 464 અરજીનો નિકાલ થયો છે પરંતુ 627 જેટલી અરજી આજે પણ પડતર છે. જેને લઇને ખેડૂતો જમીન દફતરની કચેરી સામે સવાલો ઊભા કરી રહ્યા છે.
જમીન દફતર નોંધણી કચેરી સામે અનેક સવાલો : ગીર સોમનાથ જિલ્લા જમીન કચેરીની કામગીરી અધરતાલ હોય તેવા ચિંતાજનક અહેવાલો મળી રહ્યા છે. પાછલા એક વર્ષ દરમિયાન કચેરીને જિલ્લાના 1091 જેટલા ખેડૂતોએ જમીન સર્વેને લઈને તેમની અરજીઓ સુપ્રત કરી હતી. આજે વર્ષ પૂરું થવાને હવે માત્ર 15 દિવસ જેટલો જ સમય બાકી છે. ત્યારે જમીન દફતર નોંધણી કચેરી દ્વારા અત્યાર સુધીમાં માત્ર 464 જેટલી અરજીનો સર્વે કરીને તેનો નિકાલ કરાયો છે. તેમ છતાં હજુ 60 ટકા કરતાં પણ વધારે અરજીઓ પડતર જોવા મળે છે. જેને લઈને સોમનાથ જિલ્લાનો ખેડૂત જમીન દફતર નોંધણી કચેરી સામે અનેક સવાલો કરી રહ્યો છે.
627 જેટલી અરજી બાકી : જમીન દફતર કચેરી દ્વારા ડિસેમ્બર મહિના સુધીમાં પડતર રહેતી ખેડૂતોની 627 જેટલી અરજીનો નિકાલ કરી દેવામાં આવશે. વર્ષ પૂરું થવાને માત્ર 15 દિવસનો સમય બાકી છે .આ દરમિયાન 627 અરજી જમીન દફતર કચેરી દ્વારા જમીનનો સર્વે કરીને કઈ રીતે પૂરી થશે તેને લઈને પણ અનેક શંકા અને કુશંકાઓ ઊભી થઈ રહી છે. વર્ષમાં માત્ર 40 ટકા કામ કર્યું છે હવે પંદર દિવસમાં કચેરી 60 ટકા કરતાં વધારે કામ કઈ રીતે પૂરું કરશે તેને લઈને પણ ખેડૂતોમાં ખૂબ ભારે રોષ જોવા મળી રહ્યો છે.
કચેરી પાસે નથી પૂરતો સ્ટાફ : જમીન દફતર નોંધણી કચેરી સોમનાથ પાસે હાલ જમીન સર્વે કરી શકે તેવી ટીમ અને કર્મચારીઓનું પૂરતો અભાવ છે. ત્યારે પાછલા 15 દિવસમાં 627 અરજીનો સર્વે થઈ શકે તે માટે અમરેલીની ચાર ટીમો અને પાંચ સર્વેયરોને સોમનાથ ખાતે બોલાવવામાં આવી રહ્યા છે. હવે જ્યારે વર્ષ પૂરું થવાનું છે ત્યારે અન્ય જિલ્લામાંથી આવેલી ટીમ અને સર્વેયર કઈ રીતે ખેડૂતોની અરજી પર કામ કરીને સર્વે પૂર્ણ થયા બાદ તેનો રિપોર્ટ સરકારને કરશે તેને લઈને પણ અનેક શંકાઓ થઈ રહી છે.
જૂનાગઢ જિલ્લામાં કામગીરી સરેરાશ : 01 જાન્યુઆરી 2023 થી લઈને 20 ડિસેમ્બર 2023 સુધીમાં જૂનાગઢ જમીન માપણી કચેરી દ્વારા ખેડૂતોની અરજી પર સરેરાશ કામ થતું જોવા મળ્યું. 2861 જેટલા ખેડૂતોએ તેમની જમીન સર્વેને લઈને કચેરીમાં અરજીઓ કરી હતી. જે પૈકી 2352 અરજીનો નિકાલ આજ દિન સુધી થવા પામ્યો છે. 509 અરજી પર કામ કરવાનું અથવા તો તેનો નિકાલ કરવાનો હજુ બાકી છે. પરંતુ સોમનાથ જિલ્લામાં ખૂબ મોટા પ્રમાણમાં ખેડૂતોની અરજીઓ પેન્ડિંગ છે જેને કારણે ખેડૂતોમાં ભારે રોષ પણ જોવા મળે છે.