ગીર સોમનાથ : આજે શ્રાવણ મહિનાનો અંતિમ સોમવાર છે. ત્યારે સોમનાથ મંદિર પરિસર રાજકીય ગતિવિધિથી ભરપૂર કાર્યક્રમની વચ્ચે વ્યસ્ત જોવા મળી રહ્યું છે. રાજ્યના પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે પરિવાર સાથે સોમનાથ મહાદેવના દર્શન કર્યા છે. તો આજે રાજ્યના પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણી પરિવાર સાથે દર્શન કરવા માટે આવી રહ્યા છે. ઉપરાંત આજે બપોરના સમયે રાજ્યના પ્રથમ મહિલા મુખ્યપ્રધાન અને વર્તમાન ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ પણ તેમની પુત્રી સાથે સોમનાથ મહાદેવના દર્શન કરવા માટે આવી રહ્યા છે. ત્યારે શ્રાવણ મહિનાનો અંતિમ સોમવાર દર્શનની સાથે રાજકીય ગતિવિધિઓથી ભર્યો જોવા મળી રહ્યો છે.
આગામી લોકસભાની સામાન્ય ચૂંટણીને લઈને પક્ષ નાનામાં નાના કાર્યકરોથી લઈ પ્રત્યેક વ્યક્તિ સુધી કઈ રીતે પહોંચી શકાય તે માટે સંગઠનનું કામ શરૂ કરવા જઈ રહ્યું છે. વધુમાં આવતી કાલથી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં પદાધિકારીઓની નિમણૂકને લઈને પણ કામ શરૂ કરવામાં આવશે. -- નીતિન પટેલ (ગુજરાત પૂર્વ નાયબ મુખ્યપ્રધાન)
સોમનાથ મહાદેવના દર્શન : પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે મીડિયા માધ્યમોની સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, આગામી લોકસભાની સામાન્ય ચૂંટણીને લઈને પક્ષ નાનામાં નાના કાર્યકરોથી લઈ પ્રત્યેક વ્યક્તિ સુધી કઈ રીતે પહોંચી શકાય તે માટે સંગઠનનું કામ શરૂ કરવા જઈ રહ્યું છે. વધુમાં આવતી કાલથી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં પદાધિકારીઓની નિમણૂકને લઈને પણ કામ શરૂ કરવામાં આવશે. જેમાં પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડ દ્વારા 1500 જેટલા પદાધિકારીઓને ત્રણ દિવસની મેરેથોન બેઠક અને તેમની યોગ્યતા તેમજ જ્ઞાતિ-જાતિ અને આગામી લોકસભાની ચૂંટણીને ધ્યાને રાખીને તેમની ઉપયોગીતાને ધ્યાને રાખીને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં તમામ પ્રતિનિધિઓને પસંદ કરી દેવામાં આવ્યા છે. જેની આવતીકાલથી તબક્કાવાર જાહેરાત પણ થવા જઈ રહી છે.
નો રિપીટ થિયરી પર નિવેદન : પ્રદેશ ભાજપ દ્વારા નો રિપીટ થિયરી સ્થાનિક સ્વરાજની સંસ્થામાં અમલ થવા જઈ રહી છે. જેને લઈને પણ નીતિન પટેલે પ્રતિભાવ આપ્યા હતા. તેઓએ જણાવ્યું હતું કે, નો રિપીટ થિયરીને કારણે કેટલાક પદાધિકારીઓને પડતા મૂકવામાં આવી શકે છે. આવા પક્ષના સંનિષ્ઠ કાર્યકરોમાં પદને લઈને થોડો અસંતોષ ચોક્કસપણે હશે. પરંતુ પક્ષનું રાષ્ટ્રીય નેતૃત્વ એક પદ પર એક વખત રહી ચૂકેલી વ્યક્તિને ફરી સત્તાનું સુકાન ન સોંપવું તેવી સાર્વત્રિક નીતિ અમલમાં છે. ત્યારે સ્થાનિક આગેવાનોમાં નો રિપીટ થિયરીને કારણે રોષ જોવા મળશે. પરંતુ તેનો યોગ્ય સમયે પક્ષ ચોક્કસપણે નિરાકરણ પણ કરી લેશે.