ગીર સોમનાથ: આખો દેશ અને વિશ્વ કોરોનાની મહામારી સામે જંગ લડી રહ્યું છે. ત્યારે ગુજરાતની અંદર પણ કોરોનાના દસ હજાર જેટલા કેસ નોંધાયા છે. ત્યારે રવિવારના રોજ મુખ્ય પ્રધાન વિજય રૂપાણી બાદ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે પણ વીડિયો કોલ દ્વારા પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના દર્શન કર્યા હતા. આ સાથે જ કોરોનામાંથી વિશ્વ અને ભારત સુખરૂપ બહાર આવે તેના માટે મહાપૂજા કરી હતી.
નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલની સોમનાથ મહાદેવ પ્રત્યેની ભક્તિથી સૌ કોઇ પરિચિત છે. ત્યારે કોરોનાની મહામારી વચ્ચે નાયબ મુખ્યપ્રધાને સોમનાથ ટ્રસ્ટ દ્વારા શરૂ કરાયેલી ઈ-સંકલ્પની મદદથી ઓનલાઇન પૂજા કરી હતી. જેમાં સોમનાથ મહાદેવ ટ્રસ્ટના ટેમ્પલ મેનેજર સાથે ડબલ ફ્રેમ વીડિયોકોલ કરી અને તેમણે પ્રતીક રૂપે શિવલિંગની મુખ્યપ્રધાન નિવાસ સ્થાનેથી પૂજા કરી હતી.