વેરાવળ : સૌરાષ્ટ્રના દરિયાકાંઠા પર બિપોરજોય વાવાઝોડાનો ખતરો આગળ વધી રહ્યો છે. આજે પણ વેરાવળ સહિત માંગરોળ કોડીનાર સુત્રાપાડા માંધવડ પોરબંદર સહિત સૌરાષ્ટ્રના મોટાભાગના બંદરો પર બે નંબરનું ભયજનક સિગ્નલ લગાવવામાં આવ્યું છે. ત્યારે વાવાઝોડાની અસરને પગલે વેરાવળના દરિયામાં ભારે કરંટ જોવા મળી રહ્યો છે. વાવાઝોડું ધીમે ધીમે પોરબંદર અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના નજીકમાં આગળ વધી રહ્યું છે. જેને કારણે દરિયામાં વધુ કરંટ જોવા મળશે. આગામી 48 કલાક સૌરાષ્ટ્રના દરિયાકાંઠા માટે વાવાઝોડાનs લઈને ખૂબ જ મહત્વના માનવામાં આવે છે.
વેરાવળના દરિયામાં કરંટ : બિપોરજોય વાવાઝોડું પાકિસ્તાન તરફ ધીમે ધીમે હવે ચક્રવાતના રૂપમાં અરબી સમુદ્રમાં આગળ વધી રહ્યું છે. જે સૌરાષ્ટ્રના પોરબંદરથી લઈ દીવ સુધીના દરિયા કાંઠા વિસ્તારમાં ત્રાટકે તેવી શક્યતાઓ છે. જેને કારણે પોરબંદર વેરાવળ કોડીનાર માધવડ માંગરોળ સહિત તમામ નાના-મોટા બંદરો પર ભયસૂચક સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે. આગામી બે દિવસ મહત્વપૂર્ણ મનાઈ રહ્યા છે ત્યારે વાવાઝોડું સૌરાષ્ટ્રના દરિયા કાંઠા વિસ્તારમાં ત્રાટકશે કે નહીં તેને લઈને પણ આગામી 48 કલાક ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે. સંભવત આ વાવાઝોડું પાકિસ્તાન તરફ ફંટાય તેવી શક્યતાઓ છે. પરંતુ જે રીતે વેરાવળના દરિયામાં કરંટ જોવા મળી રહ્યો છે તેને લઈને વાવાઝોડું દિશા બદલે તેવી શક્યતાને પણ નકારી શકાય તેમ નથી.
વાવાઝોડાની અસર પાંચ દિવસ : ભારતીય હવામાન વિભાગ દ્વારા મંગળવારે જણાવવામાં આવ્યું હતું કે પૂર્વમધ્ય અને નજીકના દક્ષિણપૂર્વ અરબી સમુદ્ર પર સ્થિત ચક્રવાત બિપોરજોય આગામી થોડા કલાકોમાં ઉત્તર તરફ આગળ વધવાની અને તીવ્ર ચક્રવાતી વાવાઝોડામાં પરિવર્તિત થવાની સંભાવના છે. વાવાઝોડાને કારણે વિષમ હવામાન અને દરિયાઈ સ્થિતિમાં આગામી ત્રણથી ચાર દિવસમાં પવનની ઝડપ ખૂબ વધવાની સંભાવના છે. જેમાં કલાકમાં 135-145 કિલોમીટરની ઝડપે 160 કિમી પ્રતિ કલાક સુધી લઈ જઈ શકે છે. હવામાન વિભાગે ગઇકાલે જ માછીમારોને દરિયામાં ન જવાની ચેતવણી આપી દીધી છે. સાથે દક્ષિણ પશ્ચિમી રાજ્યો માટે પાંચ દિવસ માટે વાવાઝોડાની ચેતવણી આપી છે.
પવનની તીવ્રતા વધી : બિપારજોય વાવાઝોડાની તીવ્રતા વધી છે અને હવે સંભાવના છે કે પવનની ઝડપ દોઢસો કિમી સુધી થઇ શકે છે ત્યારે આ કુદરતી આપત્તિ સામે સરકારી તંત્ર તૈયાર હોવાનું બુધવારે સરકારે જણાવ્યું હતું. બિપોરજોય વાવાઝોડું ગુજરાતના દરિયાકાંઠાના જિલ્લા પોરબંદરથી 1,060 કિમી દક્ષિણ-પશ્ચિમમાં કેન્દ્રિત છે અને ઉત્તર પશ્ચિમ તરફ તીવ્ર ગતિએ ખસી રહ્યું છે.