- ગીર-સોમનાથ જિલ્લાનાં શ્રમયોગીઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકશે
- શ્રમયોગીઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે, તે માટે શ્રમયોગીઓને સવેતન રજા આપવાની રહેશે
- કારખાનેદાર, માલિક કે નોકરીદાતા આ જોગવાઇથી વિરૂદ્ધનું વર્તન કરશે, તો શિક્ષાત્મક કાર્યવાહી કરાશે
ગીર સોમનાથ : જિલ્લામાં સ્થાનિક સ્વરાજની સામાન્ય અને પેટા ચૂંટણીનું 28 ફેબ્રુઆરીના રોજ મતદાન યોજાશે. આ અંતર્ગત કારખાના ધારા-1948 હેઠળ જિલ્લામાં કાર્યરત કારખાનાઓમાં કામ કરતા શ્રમયોગીઓ તથા બિલ્ડિંગ એન્ડ અધર કન્સ્ટ્રકશન વર્કર્સ એક્ટ-1996 અન્વયે નોંધણી થયેલી સંસ્થા અને સાઇટ્સ પર કામ કરતા શ્રમયોગીઓ મતદાનના દિવસે પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે, તે માટે લોકપ્રતિનિધિત્વ ધારા 1951ની કલમ 135(B)(1) અન્વયે શ્રમયોગીઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે સવેતન રજા આપવાની રહેશે.
શ્રમયોગીઓને આપવી પડશે સવેતન રજા
આ જોગવાઇ અનુસાર રજા જાહેર કરવાના કારણે સંબંધિત શ્રમયોગીઓ અને કર્મચારીઓના પગારમાંથી કોઇ કપાત કરવાની રહેશે નહીં. રજાના કારણે જો શ્રમયોગી કે કર્મચારી પગાર મેળવવાનો હક્ક ન ધરાવતો હોય તેવા સંજોગોમાં જે તે વ્યક્તિ રજા જાહેર ન થઇ હોય અને જે પગાર મળવાપાત્ર થતો હોય તેટલો પગાર ચૂકવવાનો રહેશે. તેમજ જે મતદારની ગેરહાજરીથી જોખમ ઉભું થવા સંભવ હોય અથવા જે વ્યવસાય અને રોજગાર સાથે સંકળાયેલા હોય તે રોજગારમાં મોટા પ્રમાણમાં વ્યાપક નુકસાન થવાનો સંભવ હોય તેવા કિસ્સામાં અથવા સતત પ્રક્રિયાવાળા કારખાનામાં કામ કરતા શ્રમયોગીઓ કે કર્મચારીઓ તેમના મત આપવાનો અધિકાર ભોગવી શકે, તે માટે તેમની ફરજના સમયમાંથી મતદાનના સમયગાળા દરમિયાન ઓછામાં ઓછા 3થી 4 કલાક મતદાન માટે સવેતન રજા આપવાની રહેશે.
કારખાનેદાર, માલિક કે નોકરીદાતા વિરુદ્ધ શિક્ષાત્મક કાર્યવાહી હાથ ધરાશે
જોગવાઇથી વિરૂદ્ધનું કૃત્ય આચરનારા કારખાનેદાર, માલિક કે, નોકરીદાતા વિરુદ્ધ શિક્ષાત્મક કાર્યવાહી હાથ ધરાશે. જો કોઇ કારખાનેદાર, માલિક કે નોકરીદાતા આ જોગવાઇથી વિરૂદ્ધનું વર્તન કરશે, તો તેમની સામે ઉપરોક્ત કાયદા હેઠળ શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે, તેમ ઔદ્યોગિક સલામતિના નાયબ નિયામકે એક યાદીમાં જણાવ્યું છે.